હરિનો કાગળ આવ્યો આજ !
જાણે મારા હાથને ઝાલ્યો, એવી આવે લાજ !
હરિનો કાગળ આવ્યો આજ !

હરિ લખે એ વાંચી જાવા આંખો ક્યાંથી લાવું ?
હું તો સાવ અભણ કોની પાસે જઈ વંચાવું ?
કાગળને પણ કંઠ હોત તો થોડો હોત અવાજ !
હરિનો કાગળ આવ્યો આજ !

અક્ષર સાથે છેટું એ શું નથી જાણતા હરિ ?
કાગળ પણ લખિયો તો લખિયો પાનેપાનાં ભરી !
મને ભરી જો હોત હેતથી, કેવા કરતી સાજ !
હરિનો કાગળ આવ્યો આજ !

કાગળનો છે અર્થ, હરિ પણ સ્મરણ કરે છે મારું,
હુંય હરિને ગમું અહો એ લાગે કેવું સારું !
હરિ તમે જાતે આવીને હેલ ઉતારો રાજ !
હરિનો કાગળ આવ્યો આજ !

-મુકેશ જોશી

સ્વર:હેમા દેસાઈ
સ્વરાંકન :આશિત દેસાઈ