એક દી’ એમણે પોતે જાતે કહ્યું,
‘સૈફ’ આજે જરા મારુ વર્ણન કરો.
મારા વિશે જરા થોડા રૂપક કહો,
થોડી ઉપમાઓનું આજ સર્જન કરો.

કેવી હાલત ભલા થઇ હશે એ સમયે,
એ તો દિલ વાળા જે હોય કલ્પી શકે,
જેણે બાંધ્યો હો રૂપાળો રીસ્તો કદી,
એ જ સમજી શકે એ જ જાણી શકે.

કોક બીજાની હોતે જો આ માંગણી,
હું’ય દિલ ખોલીને આજ વર્ણન કરત.
આ સભા દાદ દઇને દઇને થાકી જતે,
એવા સાહિત્યનું આજ સર્જન કરત.

પણ પ્રણેતા હો રૂપકના જેઓ ભલા
એ જ રૂપક જો ચાહે તો હું શું કરું ?
જેની પાસેથી ઉપમાઓ તાલીમ લે,
એ જ ઉપમાઓ માંગે તો હું શું કરું ?

તે છતાં મે કહ્યું, મારે કહેવું પડ્યું,
છો રૂપાળા તમે ખૂબ સારા તમે,
આંખ બહુ મસ્ત છે ચાલ બહુ ખૂબ છે,
અંગે અંગે છો નખશીખ પ્યારા તમે.

કેવી સીધીને સાદી હતી વાત આ,
કેવા ભોળા હતા તેઓ ઝૂમી ગયા.
બોલ્યા કેવા મજાના છો શાયર તમે,
કેવુ સારું ને મનગમતું બોલી ગયા.

-સૈફ’ પાલનપુરી

સ્વર :મનહર ઉધાસ
સ્વરાંકન : મનહર ઉધાસ