“કલાપીને સંબોધન ”
 

સુરતાની વાડીના મીઠા મોરલા !
ઉછળતા શા ઉરસાગર ઉલ્લાસ જો !
નિર્ઝરતી સૌભાગ્ય સુહાગન જ્યોત્સનિકા:
નયને ઝળકે નમણું નિર્મલ હાસ જો !
સુરતાની વાડીના મીઠા મોરલા !

આંજે ને અંજવાળે આંખલડી સખી :
અન્તર ઉપર ઉઘડે આલમનૂર જો !
હેત હૈયાના વહતી વાજે વાંસળી !
ઉડે સ્વર આકાશે અંતર દૂર જો !
સુરતાની વાડીના મોંઘા મોરલા !

નદનવનના પ્રાસાદોની ટોચથી,
મધુરી કેકા આજે શી ઉભરાય જો !
સુરભીઓની સાથે સંસારે સરી,
અન્ત:કારે ગીતા શી અથડાય જો !
સુરતાની વાડીના મોંઘા મોરલા !

तत् सवितार्नु भर्ग वरेण्यं धीमहि !
ગાયત્રીનો જૂનો ભેદક મંત્ર જો !
આજે અન્ય પ્રકારે આ માથું નમે,
નમતો સાથે આત્માનો એ તંત્ર જો !
સુરતાની વાડીના મોંઘા મોરલા !

-કાન્ત

સ્વર : રેખા ત્રિવેદી