કોઇનાં   ભીનાં  પગલાં  થાશે   એવો  એક   વર્તારો   છે,
સ્મિત  ને   આંસુ  બન્નેમાંથી  જોઇએ   કોનો  વારો   છે?

મારા લગતી કોઇએ  બાબત  એમાં તો  મેં   જોઇ   નહીં,
જીવું    છું  પણ  લાગે  છે   કે   બીજાનો   જન્મારો   છે.

એજ વખત બસ હોય છે એનું પૂરતું ધ્યાન   અમારા  પર,
એટલે   અમને  એના   કરતાં   એનો   ગુસ્સો   પ્યારો  છે.

મારી     સામે   કેમ   જુએ    છે  મિત્રો  શંકાશીલ   બની,
જ્યારથી હસવા લાગ્યો છું બસ ત્યારથી આ  મુંઝારો  છે.

કોઇ તો એવી રાત હો જ્યારે  મરજી મુજબ  જાગી  લઉં,
કોઇ  તો એવો  દિવસ  હો   કે   લાગે   દિવસ   સારો  છે.

“સૈફ” જીવનનો સાથ તો છે બસ પ્રસંગ પૂરતો શિષ્ટાચાર,
વાત   અલગ   છે   મૃત્યુની   હંમેશનો   એ  સથવારો  છે.

– સૈફ પાલનપુરી
 
સ્વરઃ નયનેશ જાની
સ્વરાંકન : નયનેશ જાની