આંગળી પકડીને તારી ચાલવા દે,
મા ! મને તું આ જગતમાં આવવા દે !

વંશનું તુજ બીજ તો ફણગાવવા દે,
ગોરમાની છાબ લીલી વાવવા દે !

તું પરીક્ષણ ભ્રુણનું શાને કરે છે ?
તારી આકૃતી ફરી સર્જાવવા દે.

ઢીંગલી, ઝાંઝર ને ચણીયાચોળી, મ્હેંદી–
બાળપણના રંગ કૈં છલકાવવા દે.

રાખડીની દોર કે ગરબાની તાળી,
ઝંખનાના દીપ તું પ્રગટાવવા દે.

વ્હાલની વેલી થઈ ઝુલીશ દ્વારે,
આંગણે સંવેદના મ્હેંકાવવા દે.

સાપનો ભારો નથી; તુજ અંશ છું હું !
લાગણીનાં બંધનો બંધાવવા દે !

-યામીની વ્યાસ.

સ્વરઃ ગાર્ગી વોરા
સ્વરાંકન : ડો ભરત પટેલ