પાંચીકા રમતી’તી ,દોરડાઓ કુદતી’તી
ઝૂલતી’તી આંબાની ડાળે
ગામને પાદરીયે જાન એક આવી
ને મારું બચપણ ખોવાયું એ જ દા’ડે

મધમીઠા મહુડાના ઝાડ તળે બેસીને
લખતી’તી દાદાને ચિઠ્ઠી
લખવાનું લખિતંગ બાકી હતું,
ને મારે અંગે ચોળાઈ ગઈ પીઠી
આંગણામાં ઓકળીયું પાડતા બે હાથ
લાલ થાપાઓ ભીંત ઉપર પાડે
……..મારું બચપણ ખોવાયું એ જ દા’ડે

પાનેતર પહેરીને પંખી ઉદાસ ,
છતાં મલકાતાં મામા ને કાકી
બાપુના હુક્કામાં તમાકુ ભરવાનું
બાને કહેવાનું હતું બાકી
પાણીડાં ભરતી એ ગામની નદી
મારા બાપુના ચશ્માં પલાળે
…….મારું બચપણ ખોવાયું એ જ દાડે

ઢોલ અને શરણાઈ શેરીમાં વાગિયાં
ને ગામ મને પરણાવી રાજી
લીલીછમ મ્હોરવાની આશામાં ઊગેલી
કૂંપળ તોડી એક તાજી
ગોરમાને પાંચ પાંચ વરસોથી પૂજ્યા
ને ગોરમા જ નાવને ડુબાડે
……મારું બચપણ ખોવાયું એ જ દાડે

– મુકેશ જોષી

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય