[wonderplugin_audio id=”1269″]

 

સહેજ અટકુંને પછી અંજળ  લખું,
રોજ તારું નામ લઇ મૃગજળ લખું.

આ  નદી   દરિયો   સરોવર  વીરડો
શબ્દની આગળ બધું  નિર્જળ લખું.

સાવ    પીળું    જીર્ણ    છૂટું  પાંદડું,
આજ હું એની ઉપર  ઝાકળ લખું.

આજ   ઘરને   કોઇ દરવાજો નથી,
આગમનની  યાદીમાં  અટકળ લખું.

રાહ  તારા   પત્રની   જોયા   પછી,
થાય કે  મારા  ઉપર  કાગળ   લખું.

-હર્ષદ ચંદારાણા

સ્વર:આશિત દેસાઇ
સ્વરાંકન : આશિત દેસાઇ