જળને કરું જો સ્પર્શ તો
Jun 27
ગઝલ Comments Off on જળને કરું જો સ્પર્શ તો
[wonderplugin_audio id=”1271″]
જળને કરું જો સ્પર્શ તો જળમાંથી વાય લૂ
સોનલ, આ તારા શ્હેરને એવું થાય છે શું ?
ખાબોચિયાની જેમ પડયાં છે આ ટેરવાં,
તળિયામાં ભીનું ભીનું જે તબક્યા કરે છે તું ?
પીડા ટપાલ જેમ મને વહેંચતી રહે,
સરનામું ખાલી શ્હેરનું ખાલી મકાનનું.
આ મારા હાથ હાથ નહીં વાદળું જો હોત
તો આંગળીની ધારે હું વરસી શકત બધું.
પ્રત્યેક શેરી લાગે રુંધાયેલો કંઠ છે.
લાગે છે હર મકાન દબાયેલું ડૂસકું..
ટાવરના વૃક્ષે ઝૂલે ટકોરાનાં પકવ ફળ,
આ બાગમાં હું પાંદડું તોડીને શું કરું ?
આખું શહેર જાણે મીંચાયેલી આંખ છે,
એમાં રમેશ, આવ્યો છું સપનાની જેમ હું.
-રમેશ પારેખ
સ્વરઃ ભદ્રાયુ ધોળકિયા
સ્વરાંકન : ભદ્રાયુ ધોળકિયા
સૌજન્ય :સંજય રાઠોડ સુરત