તમે… લાગણીની લાવણીમાં દિવસ અને રાતની
છાની છાની છાવણીમાં અંગ અંગરંગરંગ નાહ્યાં
તે અમે, આધેના અણસારા ચાહ્યાં…..
તમે લાગણીની લાવણીમાં……….

રંગના કૂંડાળેથી જોતી બે આંખ આજે
રાધાના અંબોડે ઝૂલે
ચહેરાને ઢાંકતા આ મોર તણાં પીંછામાં
આંખડિયો આંસુને ભૂલે
મારી આ આંખડીમાં અટવાયા આંસુ ને
તારી તે કેટલી રે માયા
કે અમે…… આઘેના અણસારા ચાહ્યાં…..
તમે લાગણીની લાવણીમાં…….

સાત સાત ધોધ તણાં ઘૂમટામાં તરી રહી
જળકન્યા સાત રંગ ભીની
પરસાળે હિંચતી બે આંખો તો કલ્લોલી
શ્યામ તણી બંસરીયો ધીમી,
સૂરના સરોવરમાં તરતી એક નાવ ઉપર
ઢળતી કદમ્બ તણી છાયા
ને અમે…… આઘેના અણસારા ચાહ્યાં……
તમે લાગણીની લાવણીમાં…….

-જગદીશ જોષી

સ્વરઃ આરતી મુનશી
સ્વરાંકન : માલવ દિવેટિઆ