હરિવર ઊતરી આવ્યા નભથી ગાતા   મેઘમલ્હાર
જળ વરસ્યું ને થયો   હરિનો   સીધો   સાક્ષાત્કાર

ફૂંક હરિએ હળવી મારી,    ગાયબ    બળભળ લૂ
શ્વાસ હરિના પ્રસર્યાં  માટી   સ્વયં   બની   ખુશબૂ

ખોંખારો હરિએ   ખાધો ને  વાદળ  ગરજ્યાં  ઘોર
સ્હેજ વાંસળી હોઠ અડાડી, ટહૂક્યાં મનભર મોર

ત્રિભુવનમોહન નેત્રપલક  ને ઝળળ  વીજ ચમકાર
જળ વરસ્યું ને થયો હરિનો     સીધો   સાક્ષાત્કાર

વાદળમાં ઘોળાયો હરિનો  રંગ  સભર   ઘનશ્યામ
હરિ પગલે આ ગલી બની    શ્રાવણનું ગોકુળગામ

પ્રેમ અમલ રસ હરિને  હૈયે    તેનું   આ   ચોમાસું
નામસ્મરણને શબ્દે નભને નેણથી  વહેતાં   આંસુ

મેઘધનુષમાં     મોરપિચ્છના   સર્વ   રંગ   સાકાર
જળ વરસ્યું ને થયો હરિનો    સીધો   સાક્ષાત્કાર

– ભગવતીકુમાર શર્મા

 
સ્વર : નયના ભટ્ટ અને હરીશ ઉમરાવ
સ્વરાંકન : હરીશ ઉમરાવ

 
સૌજન્ય : સંજય રાઠોડ સુરત