શબદમહિમા ગાન

મોજ પડે તો નવ નવ રસની તે કરતો મિજબાની,
શબદ બડો ખેપાની, ભૈયા શબદ બડો ખેપાની.
બાળક જાણે હોય ચાગલું, એમ કરે મનમાની.
શબદ બડો ખેપાની, ભૈયા શબદ બડો ખેપાની.

ગીતોમાં લયના હિંડોળે ઝૂલે અને ઝુલાવે,
અને ભજનમાં જીવ-શિવના સબંધને સમજાવે.
કરે ગઝલમાં પ્રેમગોઠડી, જગથી છાનીછાની,
શબદ બડો ખેપાની, ભૈયા શબદ બડો ખેપાની.

છપ્પા દોહા ચોપાઈમાં જીવન સાર બતાવે,
અને રાસની રમઝટમાં એ પગને જોમ ચડાવે,
વળી મરશીયે ભડભાદર મૂછે ટપકાવે પાણી.
શબદ બડો ખેપાની.ભૈયા શબદ બડો ખેપાની.

કદી રુસણું લઈ કવિને શબદ ખૂબ ટટલાવે,
‘આવું! હમણાં આવું!’ કહીને ના આવી અકળાવે,
કદી કલમથી ખળખળતો આવે જાણે સરવાણી,
શબદ બડો ખેપાની. ભૈયા શબદ બડો ખેપાની.

-કિશોર બારોટ