ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયા
કાયા લોટ થઇને ઊડી
માયા તોય હજી ના છૂટી
ડંખે સૂની મેડી ને સૂના જાળિયા…

સૂની ડેલીને જોઇ પૂછશો ન કોઇ
કે અવસરિયા કેમ નથી આવતા
પાંદડું તૂટે તો લોહી નીકળશે ડાળને
એટલે તોરણ નથી બાંધતા…

છાપરે ચડીને મારું જીવતર બોલે
તો ઇને કાગડો જાણીને ના ઊડાડજો
કાયાની પૂણીમાંથી નીકળે જે તાર
ઇને ખાંપણ લગી રે કોઇ પૂગાડજો…

એકલી સળીને કોયલ માળો મા નીને
જીવતર જીવી ગઇ હવે થાય શું
ઇ રે માળામાં કોઇ ઈંડું ના મૂકજો
મૂકશો તો હાલરડાં ગાઇશું….

-અનિલ જોશી

સ્વર : ગાર્ગી વોરા અને અનુપા પોટા
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા