વોટ્સએપને છોડ અને ફેસબુક
મૂક હવે તડકે,
ભીંજવા માંડ ચાલ, ચોમાસુ
હાથમાંથી સરકે

આકાશે વાદળીની પોસ્ટ એક
મોકલી છે,
એને પણ લાઈક્સ એક આપને
ટેક્નોની દુનિયાથી બહાર સ્હેજ નીકળ,
ને લાગણીનો પંથ હવે કાપને.
સ્માઇલીને છોડ અલ્યા,
સાચુકલા
હોઠ અહી મલકે
ચોમાસુ હાથમાંથી સરકે

છબછબને જાણ જરા,ફોરાંને
માણ જરા
લથબથ થવાની મોજ માણને
છત્રીને રેઇનકોટ આધા મે’ લીને
જરા નીતરતાં નીતરતાં ચાલને
વીજળી યે કે ‘ છે કે ડાબી આ
આંખ મારી ફડકે
ચોમાસુ હાથમાંથી સરકે છે!

-દિલીપ રાવલ

સ્વર : પાર્થ ઓઝા
સ્વરાંકન : આલાપ દેસાઇ

સૌજન્ય : જયેશ સુરેશલાલ શાહ,સુરત