મનોહર ત્રિવેદી
 
સાયબો મારો વાણી કરતાં યે  વેંત ઢૂંકડો
કે થોડો સાચૂકલો ,ઝાઝેરો જૂઠડો  હો જી
વાણી કરતાં  યે  વેંત ઢૂંકડો …

એની ચપટીમાં કંકુના સાથિયા
ના રેલા સેંથી વચાળ ચાલિયા
રે થાય ઓછો ઓછોને અધૂકડો હો જી રે

વાણી કરતાં  યે  વેંત ઢૂંકડો …
પાંપણે આંસુ ઝૂલ્યાં  કે સંભારણાં ?
ઊઘડ્યાં  નીંદરમાં સાગમટે બારણાં
ઝૂરતો દિવાની શાગમ ઝરુખડો  હો જી રે
વાણી કરતાં  યે  વેંત ઢૂંકડો …

બાઈ, અમે નજરું સાંધી તડાક તૂટીએ
આંખ્યુંમાં ભરીએ ને જાતમાંથી ખૂટીએ
એમ ઓલ્યા દરિયાને કીધો ટચૂકડો હો જી રે
વાણી કરતાં  યે  વેંત ઢૂંકડો …

અંગૂઠો મરડી પિયુને જગાડશું
આછી આછી તે ફૂંકે વજાડશું
રે મારો વાલોજી વાંસનો છે ટૂકડો હો જી રે
વાણી કરતાં  યે  વેંત ઢૂંકડો …

– મનોહર ત્રિવેદી

સ્વર : સુહાની શાહ
સ્વરાંકન : એસ . સ્વરકાર


સૌજન્યઃ
આસિતકુમાર મોદી
નીલા ફિલ્મ પ્રોડકશન્સ પ્રા .લી.