મારી કડયમાં છે કૂંચીનો ઝૂડો જી રે
Nov 21
ગીત Comments Off on મારી કડયમાં છે કૂંચીનો ઝૂડો જી રે
[wonderplugin_audio id=”1398″]
મારી કડયમાં છે કૂંચીનો ઝૂડો જી રે
અરતો ડાબે કાંડે
ફરતો જમણે કાંડે
મારી નણદલનો વીર મારો ચૂડો જી રે
ઊકલ્યાં વાસીદાં : બારેવો ભરવા બેઠી
ઘડી પરસેવા-સોતી આછરવા બેઠી
વાયરે ફૉરી કીધી
સાયબે ઑરી લીધી
એક અળવીતરો : બીજો આફૂડો જી રે
મેં તો અંબોડે ફૂલ જરી મૂંક્યું હતું
ત્યાં તો ભીને તે વાન આભ ઝૂક્યું હતું
અગરીક અડખે સૂંઘે
લગરીક પડખે સુંધે
બળ્યો, મીઠપનો ડંખે મધપૂડો જી રે
મારા કમખાની વાડીયું લીલીકુંજાર
સાખ વનપક ને એનો વેઠાય નહીં ભાર
અરધો આ પા ઊડે
પરધો તે પા ઊડે
ઊડતો આંબામાં અટવાયો સૂડો જી રે
મારી કડયમાં છે કૂંચીનો ઝૂડો જી રે
-મનોહર ત્રિવેદી
સ્વરઃ જાન્હવી શ્રીમાન્કર
સ્વરાંકન : સુરેશ જોશી
સૌજન્ય : તુલસીભાઈ સંકડેચા, વલસાડ