સુણ સાજન એક ગીત સુણાવું
મન-વીણાના તાર મીલાવે, હૈયું આજ સજાવું.
કાનનની કોયલના સૂરને મુજ કંઠે હું વસાવું,
મોર ટહૂકતો વન ઉપવનમાં મુજ કંઠે ટહૂકાવું,
રીમઝીમ સૂર વરસાવું….સુણ સાજન એક ગીત સુણાવું.

રીમઝીમ વર્ષાના વાદળમાં માદલને ગરજાવી,
મેઘધનુષના મેઘનાદથી સૂરમંડળ સરજાવી,
નૂપુરનાદ જગાવું…..સુણ સાજન એક ગીત સુણાવું.
જંતર જીવનું દિનની ધડકન એવો બાજ બજાવું,
પ્રીતનો પાવો છોડી મારા રસિયાને પી જાવું!!
તનમન પ્યાસ બુઝાવું…..સુણ સાજન એક ગીત સુણાવું.

-અવિનાશ વ્યાસ

સ્વર: મૃદુલા પરીખ