મેળામાં જાવાને નીકળી’તી રામ,
અને મારગમાં સાવ પડી ભૂલી;
મેળાના ચકડોળે ઝૂલવાનું હાય ગયું,
મારગ માં અધવચ્ચે ઝૂલી!
– મેળામાં…

સહિયરો ભૂંડી મને આંબલાની હેઠ મૂકી,
મેળામાં મહાલવા હાલી;
એકલડી ઝૂરતી’તી, સારું થયું કે મારી
બાંય પેલા રમતુડે ઝાલી.
મેળામાં…

મેળાના ઓરતા તો રહ્યા અધૂરડા ને
સીમમાં હતી એ કલી મુંઝાણી,
મારગડો શોધતાં એવી થાકી કે મારી
કાયા પરસેવે ભીંજાણી.
મેળામાં

વાયરો ને ઝાપટું ક્યાંથી આવ્યાં કે
રાંડ, લૂગડાં થયાંય ધૂળધાણી!
પગલાં પડે ત્યાં બઈ, શેઢે ને ખેતરે.
ઝાડવાંની હેઠ પાણી પાણી!
મેળામાં….

-ડો બેચરભાઈ પટેલ

સ્વરઃ નિધી ધોળકિયા
સ્વરાંકન : અનંત વ્યાસ