અડગ અડીખમ, ઓછરવું જાણે ના તલભર લે લાગી છે
કચકચાવી ભેંટી પડીએ એવી ભીતર લે લાગી છે

નામ – ઠામ કે સરનામા વિનાની સધ્ધર લે લાગી છે
કળી રહી છે થઈને ઝીણું ઝીણું કળતર લે લાગી છે

ઘરની છત-દિવાલ ફૂંફવે થઈ ફણીધર લે લાગી છે
લઇ નિમંત્રણ દરવાજે ઊભો માણીગર લે લાગી છે

ઝીલી લે સૌ સ્થાનકના સત્કાર અરે ઓ મહામારગી !
નીકળી જા કુંડાળું છોડી ઠીક સમયસર લે લાગી છે

આ તે ક્યું કૌતુક ભેદ ના ભાસે બિલકુલ લય, પ્રલયમાં
વ્હાલ ઊગ્યું છે એની સાવ લગોલગ જબ્બર લે લાગી છે

સ્વાદ ઘ્રાણ રસ રૂપ બધુએ ખરી પડે એક ખોંખારામાં
ઝીલે ના કોઇ જરા સરીખી ઝીંક વખંભર લે લાગી છે

કોને ક્યાં ક્યાં કેવી લાગી એ પૂછીને પંડિત ન થા
પ્રેમીજન શી દ્દષ્ટિ કેળવ જો સરાસર લે લાગી છે

ક્યાંક કળાશે તંબૂરરવમાં, ક્યાંક કથામાં કથાઇ રહી છે
ક્યાંક અજાચક, અણજાણી, અણકથ ઘરોઘર લે લાગી છે

લે-માં ‘ને લે-માં જ હવે તો ઝળી રહી છે જાત સદંતર
ઝાલો તો ઝાલો હળવેથી બાંય હરિવર ! લે લાગી છે

-સંજુ વાળા
 

સ્વર : હેમંત ચૌહાણ