Archive for the ‘ગઝલ’ Category

હશે મારી દશા કેવી

Saturday, February 23rd, 2019

 

હશે મારી દશા કેવી તને સમજાય છે સાકી!
હવે પીધા પછી પણ મારું દિલ ગભરાય છે સાકી.

અસર આવી નથી જોઈ, મેં વર્ષોની ઈબાદતમાં,
ફક્ત બે જામમાં તરત જ જીવન બદલાય છે સાકી.

ભલે એ સત્ય છે, પણ વાત છે જૂના જમાનાની,
નશામાં પણ હવે ક્યાં આદમી પરખાય છે સાકી?

‘મરીઝ’ આવા નશામાં પણ આંખ ઉઘાડી રાખે છે,
ખબર કોને કે એની આંખ ક્યાં મીંચાય છે સાકી

અબ્બાસ વાસી ‘મરીઝ’

સ્વર : ઓસમાન મીર

તું ના કહે હું હા કહું

Thursday, February 21st, 2019

 

તું ના કહે હું હા કહું કેવી અજબ છે જિંદગી
વ્હેતી રહે છે જળ સમી કેવી ગજબ છે જિંદગી

ફરતા ફરે સપનાં સજાવી હાથની રેખા મહીં,
કોને મળેલી પૂછજે મરજી મુજબ છે જિંદગી.

વેરાન રણ શાં વિસ્તરે છે ઝાંઝવાં નજરો મહીં
છીપે તરસ ના તોય પીવાની તલબ છે જિંદગી

હેતાળ જળ શીતળ લઈ વગડે મળે થૈ વીરડી
વેરાન પંથે લાગણી કેરી પરબ છે જિંદગી.

જીવી શકે તું મોજથી લૈ મૌન નો સાગર ભરી,
કૈ રાઝ રાખે છે છુપાવી બાઅદબ છે જિંદગી.

  • કવિ દાજી

સ્વર : પિતાંબર પારઘી

રસ ઘૂંટી, રસપ્રદ બનાવી લ્હાવો લે છે

Thursday, February 21st, 2019

 

રસ ઘૂંટી, રસપ્રદ બનાવી લ્હાવો લે છે
સાચ-જૂઠને ચાવી-ચાવી લ્હાવો લે છે

દંતકથામાંથી એક દોરો ખેંચી કાઢી
અફવાઓ આભે ચગાવી લ્હાવો લે છે

ભલે સત્યના સ્વામી એ કહેવડાવે કિંતુ
હકીકતોને હચમચાવી લ્હાવો લે છે

પરમ પ્રકૃતિપ્રેમીના હક્કદાવા માટે
ઝરણાનું ટેટું ચીપકાવી લ્હાવો લે છે

ઊડી ગયેલા પોપટ સાથે વેર વાળવા
સિતાબાઇ પીંજર પઢાવી લ્હાવો લે છે

સમજીને પોતાને સમકક્ષ મીર-ગાલિબના
વાતે-વાતે નામ વટાવી લ્હાવો લે છે

સો ટચનો કોઇ શબ્દ પારખી તું પણ લઇ જો
જ્યમ તાળું ખુલ્યાનો ચાવી લ્હાવો લે છે

  • સંજુ વાળા

શ્યામ, તને લખવો છે કાગળ,

Monday, February 11th, 2019

 

 

શ્યામ, તને લખવો છે કાગળ,
પ્રિય લખું? કે ગમશે સખા??
વ્હાલમ્‌ કહું કે સાંવરિયા…

શું લખું તારા નામની આગળ?
શ્યામ, તને લખવો છે કાગળ…

છેડે સખીઓ નામ કહેને
રોકે રસ્તો ઠામ બતાવ કહેને
ક્યાં છે તારો શ્યામ કહેને
કોણ છે તારો પ્રાણ કહેને

બોલું ત્યાં તો વરસે વાદળ
શ્યામ, તને લખવો છે કાગળ…

કાગળમાં બસ શ્યામ લખું?
હૈયે છે તે તમામ લખું?
રોમ રોમ તુજ નામ લખું?
તો કાગળ શું કામ લખું?
પ્રેમબાવરી હું તો પાગલ

શ્યામ, તને લખવો છે કાગળ…

  • ડો નિભા હરિભક્તિ

સ્વર : સાધના સરગમ

એવુંય ખેલ ખેલમાં ખેલી જવાય છે

Friday, February 8th, 2019

 

 

એવુંય   ખેલ    ખેલમાં    ખેલી    જવાય  છે,
હોતી નથી   હવા   અને   ફેલી   જવાય   છે.

ઊંઘી જવાય છે   કદી  આમ   જ   ટહેલતાં,
ક્યારેક     ઊંઘમાંય    ટહેલી     જવાય   છે.

આવી  ગયો  છું  હું  ય  ગળે   દોસ્તી   થકી,
લંબાવે   કોઈ હાથ   તો   ઠેલી   જવાય   છે.

બલિહારી છે બધીય ગુલાબી સ્મરણ તણી,
આંખો   કરું  છું  બંધ,  બહેલી   જવાય  છે

મળતી રહે  સહાય   નશીલી  નજરની  તો,
આંટીઘૂંટી    સફરની   ઉકેલી    જવાય  છે

લાગે  છે  થાક   એવો   કે   ક્યારેક   વાટમાં
સમજી હવાને  ભીંત   અઢેલી    જવાય   છે.

ઘાયલ ભર્યો છે  એટલો   પૂરો   કરો   પ્રથમ,
અહીંયાં  અધૂરો  જામ ના   મેલી  જવાય છે.

– અમૃત ઘાયલ

સ્વર : દીપ્તિ દેસાઈ
સ્વરાંકન : અમર ભટ્ટ

તમારી આંખડી

Friday, February 8th, 2019

 

 

તમારી આંખડી કાજલ તણો  શણગાર માંગે  છે
આ કેવી રોશની છે કે જે સદા અંધકાર માંગે  છે

બતાવો   પ્રેમપૂર્વક  જર્જરિત  મારી  કબર  એને
જ્યારે જાલિમ જમાનો જિંદગીનો સાર માંગે  છે

છે સામે રૂપ કિંતુ આંખ ઊંચી થઈ નથી શકતી
વિજયની છે સરસ બાજી ને હૈયું  હાર  માંગે   છે

‘અમર’નું  મોત  ચાહનારા  લઈ  લો હૂંફમાં એને
મરી જાશે, એ  મરવાને  તમારો  પ્યાર માંગે  છે

– અમર પાલનપુરી

સ્વર-સંગીતઃ હરીશ ઉમરાવ

તરછોડચો જ્યારે આપે

Thursday, February 7th, 2019

 

 

તરછોડ્યો જયારે આપે, હસવાનું મન થયું
બોલાવ્યો જયારે આપે,  રડવાનું  મન થયું

ખોળામાં જયારે આપના, માથું  મૂકી દીધું
સોગંદ તમારા ત્યાંને ત્યાં મરવાનું મન થયું

દિલને   મળ્યું   જે   દર્દ  તે ઓછું પડ્યું હશે
નહિતર ફરી કાં આપને મળવાનું મન થયું

ડૂબ્યો નથી   અમરને, ડૂબાડ્યો છે કોઈએ
નહિતર કાં એની લાશને તરવાનું મન થયું

– અમર પાલનપુરી

સ્વર : આલાપ દેસાઈ

શૂન્યતામાં પાનખર ફરતી રહી

Saturday, January 19th, 2019

 

 

શૂન્યતામાં   પાનખર  ફરતી  રહી.
પાંદડીઓ  આભથી  ખરતી  રહી.

ને પવનનું વસ્ત્ર  ભીનું   થઇ   ગયું,
ચાંદનીની. આંખ   નીતરતી   રહી.

સૂર્ય   સંકોચાઇને  સપનું    બન્યો,
કે  વિરહની. રાત   વિસ્તરતી રહી.

મૌનની   ભીનાશને   માણ્યા  કરી,
ઝૂલ્ફમાં બસ  અંગુલી ફરતી  રહી.

હું  સમયની    રેતમાં   ડૂબી  ગયો,
મૃગજળે મારી તૃષા   તરતી   રહી.

તેજ   ઉંડાણોમાં ખળભળતું રહ્યું,
કામનાઓ  આંખમાં   ઠરતી  રહી.

આપણો સબંધ તો  અટકી  ગયો,
ને સ્મૃતિની  વેલ   પાંગરતી   રહી.

હા બધા લાચાર થઇ જોતા રહ્યા,
હાથમાંથી  જિંદગી  સરતી   રહી.

– આદિલ મન્સૂરી

સ્વર : શ્રુતિ વૃન્દ

સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ

…. લઈને આવ મા

Sunday, January 13th, 2019

 

 

વાત માંડી   છે  હજુ,  અંજામ.  લઈને  આવ  મા,
જીતવા તો  દે. મને,   ઈનામ    લઈને   આવ   મા;

આ   નગરની   હર  ગલી   શોખીન સન્નાટાની  છે,
શબ્દને તું  આમ   ખુલ્લેઆમ   લઈને  આવ   મા;

ક્યાંય સુકાયા નથી  કોઈ   આંખના  દરિયા  હજુ,
હોઠ પર “શ્રી રામ” કે “ઈસ્લામ” લઈને આવ મા;

જિન્દગી    આખી   વીતાવી    ભૂલવામાં   જેમને,
એમની  તસ્વીર,    એનું   નામ  લઈને   આવ  મા;

હું  હળાહળ   ઝેરને  પીવા   મથું     છું   ક્યારનો,
દોસ્ત,   અત્યારે   છલકતું  જામ લઈને આવ  મા.

– હિમલ પંડ્યા

સ્વર : ડો. ભાવના મહેતા
સ્વરાંકન : પ્રણવ મહેતા

કાળ જુઓને અજગર જેવો

Monday, January 7th, 2019

 

કાળ જુઓને અજગર જેવો ધીમે સરકતો જાય છે,
શ્વાસ બીજાં શ્વાસને   ભૂતકાળ  બનાવે  જાય   છે.

નાનું   સરખું   સુખ   મળે  તો  પણ રાજી થાઉ હવે,
મોટા દુઃખો મન આ મારૂં  પળમાં  વિસરી  જાય  છે.

સાગર, ધરતી, આભ રૂપાળી સુષ્ટિ પરના આવરણ,
સઘળાં   બંધન   તોડી   હૈયું  અવકાશે   ખેંચાય છે.

પંડિતોની    ભાષા   કહે   કે   ‘દેહ  છૂટે તો દેવ મળે’,
કાયામાં   છે  ઈશ્વર   તોયે   પથ્થર  પૂજે  જાય  છે.

– કમલેશ સોનાવાલા

સ્વર : ધનાશ્રી પંડિત
સ્વરાંકન : ઉદય મજુમદાર