…. બંને તરફ છે

Comments Off on …. બંને તરફ છે

 

 

કોઈ મોઘમ આવ-જા.mp3

 

કોઈ મોઘમ આવ-જા બંને તરફ છે
પ્રેમની આબોહવા બંને તરફ છે

બારીઓમાંથી સમય સરકી ગયો ને
સાવ ખુલ્લી ધારણા બંને તરફ છે

શ્વાસ-ધબકારા-હૃદય હોઠે તરસ છે
ચાહવાની એકલા બંને તરફ છે

બેઉ કાંઠે શૂન્યતા વચ્ચે વહે જળ
એક સરખી વેદના બંને તરફ છે

એક પારિજાત ખરતું શ્વાસ છોડી
મ્હેકવાની એ મજા બંને તરફ છે
 
-ડો. પરેશ સોલંકી
સ્વર:ડો.ભરત પટેલ
 
 

કોઇ સમેટો ….

Comments Off on કોઇ સમેટો ….

કણકણ થઇને વિખરાયો છું:કોઇ સમેટો !
છાંટે છાંટે ઢોળાયો છું : કોઇ સમેટો !

લગભગ નામે ગામ તણો કાયમ રહેવાસી,
રસ્તે રસ્તે વેરાયો છું : કોઇ સમેટો !

વાટે, ઘાટે, પહાડે પહાડે, ટીંબે ટીંબે,
પાણે પાણે પથરાયો છું : કોઇ સમેટો !

ધરના ફળિયે મેં દોરેલી રંગોળીમાં,
રંગ રંગે વીંખાયો છું : કોઇ સમેટો !

ભાવ ,ભૂખ,ભગતી,ભોજનને ભેળાં કરવા;
દાણ દાણે ફેલાયો છું: કોઈ સમેટો !

-અરવિંદ બારોટ
૧૮ ડિસેમ્બર, ૨૦૧૬

ધોળા-ઢસા

Comments Off on ધોળા-ઢસા

ચાલ્યા કરે છે ટ્રેન માફક આવ જા
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.

બે ગામ વચ્ચે જોઉં થોડાં ગામડાં,
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.

ખાલી મળી છે ઊભવા જેવી જગ્યા,
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.

વાંચી શકાશે એક ટૂંકી વારતા,
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.

અહીંયાંય છે ને ત્યાંય છે કેવળ દગા,
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.

જાણે થયાં છે એકબીજાનાં સગાં,
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.

ગાગાલગા ગાગાલગાની જાતરા,
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.

-ભરત વિંઝુડા

દે પ્રભુ આશિષ અમોને

Comments Off on દે પ્રભુ આશિષ અમોને

દે પ્રભુ આશિષ અમોને આવનારા વર્ષમાં,
ના ખૂટે હિંમત કદીપણ આકરા સંઘર્ષમાં.

દીપ ઝળહળતો રહે શ્રદ્ધા તણો મમ અંતરે,
વિસ્મરણ તારું કદી ના હો, પીડા કે હર્ષમાં.

મોકળા મનથી કરું હું વ્હાલ આખા વિશ્વને,
એટલી ચાહત ભરી દે આ હદયના પર્સમાં.

તેં દીધેલી સંપત્તી શક્તિ અને સદ્દબુદ્ધિનું,
હો સમર્પણ સર્વદા માનવ્યના ઉત્કર્ષમાં.

એટલું કર્તુત્વ દે, મળવા તને આવું પ્રભુ,
બે’ક તાંદુલની કમાણી હો જીવન નિષ્કર્ષમાં.

-કિશોર બારોટ

આંગણ આવ્યો અજવાળાનો…

Comments Off on આંગણ આવ્યો અજવાળાનો…

 
 

આંગણ આવ્યો અજવાળાનો અલબેલો તહેવાર.mp3

 
 
આંગણ આવ્યો અજવાળાનો અલબેલો તહેવાર
વાળી-ઝૂડી અંધકારને ફેંકો ઘરની બહાર
ભાંગ્યા-તૂટ્યા મનોરથોનો કાટમાળ હડસેલી
ઉમળકાનાં તોરણથી શણગારો ઘરની ડેલી

કાટ-ચડ્યાં ગીતોને પંખીના કલરવથી માંજો
અણોસરી આંખોમાં નમણાં-નમણાં સપનાં આંજો
અણબનાવની જૂની-જર્જ૨ખાતાવહીઓ ફાડો
નવા સૂર્યની સાખે અક્ષર હેત-પ્રીતના પાડો

ભોળાં-ભોળાં સગપણની જો ગૂંથીને ફૂલમાળા
પહેરાવો તો સૂકાં જીવતર બની જશે રઢિયાળાં
સુખની ઘડીઓ કોઈ ત્રાજવાં-તોલાથી ના જોખો
આંગણ આવી ઊભું છે અજવાળું એને પોંખો.
 
~ રમેશ પારેખ
 

સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ
 
 

Older Entries Newer Entries

@Amit Trivedi