No Comments

હોઠ મલકે તો મોટી મહેરબાની

No Comments

સૌજન્ય : ડો પરેશ સોલંકી

 


 

હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન,થોડો મીઠો લાગે ;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મૂલક ક્યાંક દીઠો લાગે

સંગાથે હોય ત્યારે અટવાતાં ચાલીએ
કે એકલાનો રાહ એકધારો,
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
ભલે આઘો ઠેલાય આ કિનારો !
મધમીઠો નેહ તારો માણું
સંસાર આ અજીઠો લાગે

રાત આખી સૂતો ક્યાં સૂરજ, સવારે
એની આંખમાં ઉજાગરાની લાલી ,
લથડીને ચાલતી આ ચંચળ હવાનો હાથ
ઊઘડેલા ફૂલે લીધો ઝાલી ;
તારી આંખના ઉજાગરાનો
છલકતો રંગ જો મજીઠો લાગે !

– હરીન્દ્ર દવે

હતી રાત થોડી અને વેશ ઝાઝાં

No Comments

 

 

હતી રાત થોડી અને વેશ ઝાઝાં,
ત્યાં કરવી પડી એ સ્થિતિમાં ઉતાવળ;
ભૂલેલાં જૂઠાં રાહથી પાછો વળવાં,
હું લાવ્યો ‘તો મારી ગતિમાં ઉતાવળ…

જીવનભરનાં ગુન્હાં કબૂલીને જેમાં,
લખ્યોતો તને પત્ર મેં ખૂબ લાંબો;
ઘડી અંતની આવી ગઇ ને થઇ છે,
લિખિતંગની છેલ્લી લીટીમાં ઉતાવળ…

ન સીતાહરણ થાત, ના થાત મૃત્યુ
લંકાપતીનું, શ્રીરાઘવનાં હાથે;
કાંચનનો મૃગ જોઇ મોહી જવામાં
જો થાતી નાં સીતા સતીમાં ઉતાવળ…

મજા મસ્ત મહેફીલની માણવાંને ,
નિમંત્ર્યા’તા મિત્રો મેં વીણી વીણીને;
નિહાળીને વર્તન હું પસ્તાઇ બેઠો,
થતું, મેં કરી દોસ્તીમાં ઉતાવળ…

હજું જીવવુંને જીરવવું’તું બાકી,
હજું કાવ્યનાં ખૂબ કરવાં’તા સર્જન;
પરંતું ‘રવિ’ની જરુરત પ્રભુને,
જે કીધી મરણની તિથિમાં ઉતાવળ….

શબ્દ રચના: રવિ ઉપાધ્યાય

સંગીત : પ્રકાશ ઉપાધ્યાય

આહા એટલે આહા…

No Comments

 

 

આહા એટલે આહા એટલે આહા
હમને તુમકો ચાહા…… આહા

ચોમાસાની જળનીતરતી યાદ
એટલે આહા..
છત્રીમાં ભેગા પલળ્યાનો સ્વાદ
એટલે સ્વાહા

ભીના હોઠોમાં થઈ ગઈ
એક ભીની મોસમ સ્વાહા
આહા એટલે આહા એટલે આહા
હમને તુમકો ચાહા…… આહા

સાંજે કોઈને અમથુ અમથુ મળવું
એટલે આહા
પાછા ફરવા મન ન કરી ફરવું
એટલે આહા

રાતની એકલતામાં
ગાયા કરવા ગીતો મનચાહા
આહા એટલે આહા એટલે આહા
હમને તુમકો ચાહા…… આહા

– ડો મુકુલ ચોક્સી

સ્વર : હરીશ ઉમરાવ, નયના ભટ્ટ

સ્વરાંકન : હરીશ ઉમરાવ

સુરતનો એવો વરસાદ

No Comments

હરીશ ઉમરાવ

 

 

પતરે ટપાક્ક ટપ છાંટા પડે, ને પછી નળિયા ખટાક્ક ખટ્ટ તૂટે
સુરતનો એવો વરસાદ…

બારીમાં કૂદે ભફાંગ કરી વાછટ, ને વીજળી વેરાય મૂઠે મૂઠે
સુરતનો એવો વરસાદ…

પહેલાં તો છાપરિયા શેરીઓ ચૂપચાપ કાળા આકાશ ભણી જુએ
સૂકાંભઠ પાંદડાંઓ ગબડે ને ભીનો પવન્ન પછી જાણે પીંજાય રૂંએ રૂંએ
વાદળાં છલાંગ મારી ઉછળે ને તીર એની સાથે સટ્ટાક સટ્ટ છૂટે
સુરતનો એવો વરસાદ…

નેવાંની સાથ વળી ઝૂલતા કોઇ હિંચકાનું આછું કિચૂડકચ્ચ એવું
સુની હવેલીના ગોખમાંથી ચોમાસું માણે છે એકલું પારેવું
રસ્તાઓ સુમસામ ખુલ્લા ફટ્ટાક જેમ શિવાજી શહેરને લૂંટે
સુરતનો એવો વરસાદ…

– નયન દેસાઈ

સ્વર : હરીશ ઉમરાવ અને સ્તુતિ શાસ્ત્રી

વરસો વીત્યાં વરસો વીતશે

No Comments

 


 

વરસો વીત્યાં વરસો વીતશે
હાથમાં લઇને હાથ ,
માણ્યો છે ને માણતાં રહેશું
સજની , આ સંગાથ
આપણો સપ્તપદીનો સાથ

નજર કરીને જોઉં પાછળ
વીતી ગયેલાં વરસો
રસઝરતાં એ વરસો માણવા
ફરી ફરી તમે તરસો
વીતી વેળા હાથ ન આવે
સ્મરણ બને સંગાથ
આપણો સપ્ત પદીનો સાથ

માણ્યું તેનું સ્મરણ કરો
એ સ્વાદની સાચવો યાદ
ફરી ફરી એ યાદ માણીએ
જીવન નથી ફરિયાદ
સાચવ્યાં છે ને સાચવી લેશે
આપણને શ્રીનાથ
આપણો સપ્તપદીનો સાથ

– તુષાર શુક્લ

સ્વર: નીરજ પાઠક

સ્વરાંકન :માલવ દિવેટીયા

સંગીત : શૈલેશ ઠાકર

આવી રસીલી ચાંદની

No Comments

 

 

આવી રસીલી ચાંદની વનવગડો રેલાવતી
આવી રસીલી ચાંદની વનવગડો રેલાવતી

છાયા બની એ ચંદ્રની એને પગલે પગલાં પાડતી
આવી રસીલી ચાંદની

છાયા ન માનું ચાંદનીને ચંદ્રની એ તો પ્રિયા!
છાયા ન માનું ચાંદનીને ચંદ્રની એ તો પ્રિયા!

ઓ રંગરસિયા આમ બોલી મન ભરમાવે કાં સદા?
નૈનની ભૂલ ભૂલામણી

આવી રસીલી ચાંદની વનવગડો રેલાવતી
છાયા બની એ ચંદ્રની એને પગલે પગલાં પાડતી
આવી રસીલી ચાંદની

ચંદ્ર છૂપાયો વાદળીમાં તેજ તારું જોઈને!
જોને જરી તું આવ્યો ફરીને મુખ પર તારા મોહીને
થાયે શીદ લજામણી!

આવી રસીલી ચાંદની વનવગડો રેલાવતી
છાયા બની એ ચંદ્રની એને પગલે પગલાં પાડતી
આવી રસીલી ચાંદની

– ભાસ્કર વોરા

સ્વરઃ મહમદ રફી અને લતા મંગેશકર

સંગીતઃ દિલીપ ધોળકીયા

ભૂવા જાગરિયાના દોરા તું છોડ,

No Comments

 

 

ભૂવા જાગરિયાના દોરા તું છોડ,
અને ન માળા ફેરવ તું સીતા-રામની..
તને નજરું લાગી છે મારા નામની !

લહેરાતા વાળ તારે ખેંચીને બાંધવા
ને આઇનામાં જોઇ અમથું હસવું
માથે ઓઢીને તારું શેરીમાં ફરવું
ને ઊંબરે બેસીને તારું રડવું

ઘરના તો ઠીક હવે ગામ આખું કહેશે,
કે રહી ના હવે તું કશા કામની..
તને નજરું લાગી છે મારા નામની !

વાસીદું કરશે તો છાણવાળા હાથ
હવે મેંહદી રંગેલ તને લાગશે
ઓચિંતા આંગળીમાં વાગશે ટચાકા
અને કેટલીય ઇચ્છાઓ જાગશે

વાડીએ જવાનું કોઇ બહાનું કાઢીને હવે
પકડી લે કેડી મારા ગામની..
તને નજરું લાગી છે મારા નામની !

ભૂવા જાગરિયાના દોરા તું છોડ,
અને ન માળા ફેરવ તું સીતા-રામની..
તને નજરું લાગી છે મારા નામની !

– વંચિત કુકમાવાલા

સંગીત : અનિલ ધોળકિયા

સ્વર : અનિલ ધોળકિયા , સોનલ રાવલ

સોળ સજી શણગાર

No Comments

 

 

સોળ સજી શણગાર
ગયાં જ્યાં જરીક ઘરની બહાર,
અમોને નજરું લાગી !

બે પાંપણની વચ્ચેથી
એક સરકી આવી સાપણ
ડંખી ગઈ વરણાગી.

કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો,
હવે ન ઊખડયો જાય,થાળીને વળગી બેઠો સીધો,
આવા ન્હોય ઉતાર
નજરના આમ ન તૂટે તાર
અમોને નજરું લાગી !

તેલ તણી લઈ વાટ અમે દીવાલ ઉપર જઈ ફેંકી,
ખીલી સમ ખોડાઈ ગઈ ત્યાં નવ વાંકી નવ ચૂંકી,
જડને યે આ સૂઝ
તો રહેવું કેમ કરી અણબૂઝ
અમોને નજરું લાગી !

સાત વખત સૂકાં મરચાંનો શિરથી કર્યો ઉતાર,
આગ મહીં હોમ્યાં ત્યાં તો કૈં વધતો ચાલ્યો ભાર,
જલતાં તોય ન વાસ
અમોને કેમ ન લાગે પાસ ?
અમોને નજરું લાગી !

ભૂવો કહે ના કામ અમારું નજર આકરી કો’ક,
ટુચકા તરહ તરહ અજમાવી થાકયાં સઘળાં લોક,
ચિત ન ચોંટે કયાંય
હવે તો રહ્યુંસહ્યું ના જાય,
અમોને નજરું લાગી !

‘લ્યો, નજરું વાળી લઉં પાંછી’ એમ કહી કો’ આવ્યું,
નજરું પાછી નહીં મળે આ દરદ હવે મનભાવ્યું,
હવે નજરનો ભાર
જીવનનો થઈ બેઠો આધાર.
અમોને નજરું લાગી !

– હરિન્દ્ર દવે

સ્વર – નિશા કાપડિયા

પાંપણ પાછળ નેણ છુપાવ્યાં

No Comments

 

 

પાંપણ પાછળ નેણ છુપાવ્યાં, પાલવ પાછળ હૈયું,
પણ મારી પાની કહ્યું નહિ માની
છુપે ના છુપાણી કરે મનમાની

સાસરીની સાંકડી શેરીમાં વાગે કદી ના સંગીત
જાતાં ને આવતાં ઝાંઝરીની તાલે પાની ગાતી રહે ગીત

નહિ એ મૂંઝાણી રહી અણજાણી
સદાકાળ પાની કરે મનમાની

પણ મારી પાની કહ્યું નહિ માની
છુપે ના છુપાણી કરે મનમાની

મૈયરથી મુને મળવા આવ્યો એ મારો કોઈ મન મિત
પિયરથી તારા વાવડ લાવ્યો, તું શું ભૂલી ગઈ પ્રીત
લાવ્યો છું એક ઝાંઝરજોડી, સુણાવ તું કોઈ ગીત

સુણી હું લજાણી પણ મારી પાની
નહિ લજવાણી એના ઝાંઝરની વાણી

નાચે મારી પાની થઈને મસ્તાની
એ રોકે ના રોકાણી હું લાખ રીસાણી

પણ મારી પાની કહ્યું નહિ માની
છુપે ના છુપાણી કરે મનમાની

સ્વરઃ કવિતા કૃષ્ણમૂર્તિ

ગીતઃ નિરંજના ભાર્ગવ

સંગીતઃ નવીન શાહ

Older Entries