જિગર જોષી ‘પ્રેમ’

Comments Off on જિગર જોષી ‘પ્રેમ’

ઘણા  ચહેરા, ઘણી  વાતો  ઘણું  મૂકી ગયો છું હું,
અરીસો  થઈ  અને  મુજ  હાથથી ફૂટી ગયો છું હું.

ઘણી મશહુર છે સ્ટોરી, ‘ટપકતી છત હતો પહેલાં’
પછી  વરસ્યો  ઘણો  વરસાદ  ને તૂટી ગયો છું હું

વિચારૂં  છું  હજી  ભીનાશ  જેવું  શું  હશે અંદર !?
નહીં  તો  આંખથી  તો  ક્યારનો  છૂટી ગયો છું હું

અરે  હું  ચાંદ  છું  પૂનમ તણો જાણે છે આખું જગ,
અમાસી  રાતનું  મન  રાખવા  ડૂબી  ગયો  છું હું

વટાવી  ગઈ  હદો  સઘળીય મજબૂરી અમારી, કે –
હતું  મારૂં  જ  એ  ઘર  ‘પ્રેમ’  ને લૂટી ગયો છું હું

– જિગર જોષી ‘પ્રેમ’

પુરુરાજ જોષી

Comments Off on પુરુરાજ જોષી

 

બે  ચાર  છાંટાથી  છીપે,  એવી  તરસ  નથી,
તારે વરસવું હોય તો આકશ મન મૂકીને વરસ.

નાંખ  છત્રીને  ધરામાં,  નિર્વસન  થૈને નીકળ,
આવું  ચોમાસું  ભલા  ન  આવતું વરસો વરસ.

મઘમઘું  હું  હેમ થઈને, ઝગમગું સૌરભ બની,
તું  મને  સ્પર્શે તો મિતવા આવ એ રીતે સ્પર્શ.

કોઈ મારામાં  વસે  છે,  ને  શ્વસે  છે રાતદિન,
એ મને જોતું સતત પણ ના  થાતાં એના દરશ.

અંગ  પરથી  વસ્ત્ર જળની જેમ સરતાં જાય છે,
કોણ  સામે  તીર  બજવે  બાંસુરી એવી સરસ.

સાંકડે  મારગ,  મદોન્મત્ત  હાથણી  સામે ખડો,
કાં  છૂંદી  નાંખે  મને  કાં  મસ્તકે  ઢોળે  કળશ.

– પુરુરાજ જોષી

જ્યેન્દ્ર શેખડીવાળા

Comments Off on જ્યેન્દ્ર શેખડીવાળા

 

ક્ષણનાં  રહસ્યો  પામવાનો  આ પ્રતાપ છે;
કે ઓસથી  દરિયા સુધી મારો જ વ્યાપ છે.

પ્રસરી જવાનું તપ ધર્યુ છે શાને ઓ હ્રદય !
શું  લોહીમાં  સંકોચથી  જીવ્યાનું પાપ છે ?

આ  રંગ   પીંછી   દ્શ્ય   અનુભૂતિ  વ્યર્થ,
નિર્મમપણે  અસ્તિને ચીતરવાનો શાપ છે.

બાળકની   જેમ   જોઈ  શકું  છું  હવે  તને
પયગમ્બરી  મિજાજની આંખોમાં છાપ  છે.

હું  એક  શ્રધ્ધાથી  મને વળગી રહ્યો  અહીં,
કે કાળનો  પ્રવાસ પણ  અંતે  અમાપ  છે.

 

– જ્યેન્દ્ર શેખડીવાળા

રમેશ પારેખ

Comments Off on રમેશ પારેખ

હાથને   ચીરો    તો   ગંગા નીકળે
છેવટે    એ  વાત  અફવા નીકળે.

બોમ્બની માફક પડે કાયમ સવાર
એ  જ   કચ્ચરઘાણ ઘટના નીકળે.

કોઇ   સપનું   છીછરું  વાગ્યું   હતું
ને   જનોઇવઢ     સબાકા   નીકળે.

સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ   એના ક્યાં ક્યાં નીકળે.

એ  શું   ક્બ્રસ્તાનનું    ષડયંત્ર છે?
મુઠ્ઠીઓ   ખૂલે   તે   મડદાં નીકળે.

દાબડીમાં    એક માણસ બંધ હોય
ઢાંકણું    ખોલો  તો  લાવા  નીકળે.

વક્ષની   ખંડેર      ભૂમિ    ખોદતાં
કોઇ     અશ્મીભૂત    શ્રધ્ધા નીકળે.

માર્ગમાં   આવે   છે મૃત્યુની પરબ
જ્યાં   થઇ   હરએક રસ્તા નીકળે.

ર નીરંતર મેશ-માં સબડે   અને
સુર્ય પણ નીકળે તો કાળા નીકળે.

– રમેશ પારેખ

સુરેન ઠાકર ‘મેહુલ’

Comments Off on સુરેન ઠાકર ‘મેહુલ’

એકલો  હું  અવસરીને  શું   કરું ?
છું સભર પણ  ઝરમરીને શું કરું ?

તું  જ તો સંકલ્પ થઈ સામે ઊભી
ઈશને  હું    કરગરીને   શું    કરું ?

સ્વપ્નમાં  ભોંઠો   પડું   છું હરઘડી
હું   દિલાસા    સંઘરીને   શું  કરું ?

હું  સતત  મારાપણામાં     વિસ્તરું
અન્યથા   હું  વિસ્તરીને   શું   કરું ?

ડૂબવાથી  તો   તને   પામી  શક્યો
હું  હવે  આ  ભવ  તરીને   શું  કરું ?

છું   સકળ   સંવેદનોથી   પર  હવે
ભ્રમ   ભરેલી    હાજરીને   શું  કરું ?

– સુરેન ઠાકર ‘મેહુલ’

Older Entries

@Amit Trivedi