સોગઠી મારી અને તારી, નિકટ આવી હશે,
એ ક્ષણે નાજુક રમતને મેં તો ગુમાવી હશે.
ના ઉઘાડેછોગ નહીંતર આમ અજવાળું ફરે,
કોઈએ ક્યારેક છાની જ્યોત પ્રગટાવી હશે.
હાથમાંથી તીર તો છૂટી ગયું છે ક્યારનું,
શું થશે, જો આ પ્રતીક્ષા મૃગ માયાવી હશે !
આપણે હંમેશ કાગળનાં ફૂલો જેવાં રહ્યાં,
તો પછી કોણે સુગંધી જાળ ફેલાવી હશે ?
હું સળગતો સૂર્ય લઈને જાઉં છું મળવા અને,
શક્ય છે કે એણે ઘરમાં સાંજ ચિતરાવી હશે !
છેવટે વ્હેલી સવારે વૃક્ષ આ ઊડી શક્યું
પાંખ પંખીઓએ આખી રાત ફફડાવી હશે !
- હર્ષદ ત્રિવેદી
માએ મનને ગજાવ્યાં ગઝલગોખમાં રે!
માએ અમને તેડાવ્યાં શબદચોકમાં રે!
લાય લોહીમાં જગાવી અલખ નામની ને;
અમને રમતા મેલ્યા છે ગામલોકમાં રે!
મારું ઉપરાણું લઈને આ આવ્યું છે કોણ?
હૈયું છલકે ને હરખ ઊડે છોળમાં રે!
પહોંચું પહોંચું તો ઠેઠના ધામે હું કેમ?
લાગી લાગીને જીવ લાગ્યો પોઠમાં રે!
રહે જાતરા અધૂરીને ને ફળતો જનમ;
એવો મંતર મૂક્યો છે કોણે હોઠમાં રે!
મારે પીડાની મા કેવી હાજરાહજૂર!
કાં તો ડૂમે દેખાય કાં તો પોકમાં રે!
જેની નેજવાના ગઢ ઉપર દેરી બાંધી;
એની ગરબી ગવાય રોમેરોમમાં રે!
- અશરફ ડબાવાલા
એક એવું ઘર મળે આ વિશ્ર્વમાં,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું.
એક એવું આંગણું કે જયાં મને;
કોઈ પણ કારણ વગર શૈશવ મળે!
એક બસ એક જ મળે એવું નગર;
ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;
‘કેમ છો ?’ એવું ય ના ક્હેવું પડે;
સાથ એવો પંથમાં ભવભવ મળે!
એ એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું!
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
પાનખરનાં આગમનનો રવ મળે!
તો ય તે ના રંજ કૈં મનમાં રહે-
અહીંથી ઊભો થાઉં ને મ્રુત્યું મળે…
- માધવ રામાનુજ
ના કશી ઈચ્છા હવે અવઢવ હવે
જીવતર પણ લાગતું અભિનવ હવે
આપણે પહોચ્યાં છીએ એવા સ્થાન પર
પાછા વળવાનું નથી સંભવ હવે
આગમન કોનું થયું છે શી ખબર
આંગણુંયે થાય છે રવરવ હવે
એ હ્ર્દયમાં આવી બેસી જાય છે
એમનો થાતો નથી પગરવ હવે
મારા માટે તો એ શબ્દાતીત છે
તું જ કંઈ એના વિશે વર્ણવ હવે
એ જ છે ‘નાદાન’ મુકતિનો મરમ
શેષ ના રહેશે કશું ભવભવ હવે
- દિનેશ ડોંગરે ‘નાદાન’
આ કિનારે એ કિનારે હું જ છું
ચોખૂણે ને દિશ ચારે હું જ છું
સ્નાન કરવું હોય તો તું આવને
સ્વર્ગ છે ઝમઝમની ધારે હું જ છું
ફૂલ બનવાની તમન્ના હોય તો
બીજ થઈને આવ ક્યારે હું જ છું
મૌનના પડઘા ય સાંભળવા પડે
ને પછી જો ૐ કારે હું જ છું
ના પ્રતિક્ષા કે ટકોરાની જરૂર
સાવ ખુલ્લા છે ને દ્વારે હું જ છુ
- સુરેન્દ્રસિંહ જાડેજા
ના એ નથી જ, કોઈ નથી, કોઈ પણ નથી,
એ ક્યાંથી હોય એણે કબર જોઈ પણ નથી?
ગુંજી ઊઠી ફરીથી ત્યાં શરણાઈ માંડવે,
અશ્રુ ભરેલ આંખ હજુ લોઈ પણ નથી.
જો યાદ ગઈ મરી, તો થઈ દિલ મહીં કબર,
ના સાચવી શક્યા તો અમે ખોઈ પણ નથી.
એના જ હાથમાં છે હવે કાફલો ‘સમીર’,
રસ્તાની ધૂળ જેણે કદી જોઈ પણ નથી.
- મહેન્દ્ર ‘સમીર’
કશુંય કહેવું નથી સૂર્ય કે સવાર વિષે,
તમે કહો તો કરું વાત અંધકાર વિષે.
ન કોઈ ડાળે રહસ્યોનાં પાંદડા ફૂટ્યા,
કળીના હોઠ ઊઘડતા નથી બહાર વિષે.
સતત થતા રહ્યા વચમાં મરણના ઉલ્લેખો,
ને વાત ચાલી હતી તારા ઈંતેઝાર વિષે.
બિચારો દર્દી કશું બોલતો નથી ને છતાં,
તબીબો ઝઘડે છે આપસમાં સારવાર વિષે.
હજીયે તાજા છે શબ્દોના સર્વ ઘા ‘આદિલ′,
હજીયે લોહી ટપકતું કલમની ધાર વિષે.
- આદિલ મન્સુરી
મળે જો સમય તો સમય માપવો છે
અને જો બને કદ મુજબ કાપવો છે
બને કે મળી જાય ભગવાન માફક
વિતેલા સમયને સતત જાપવો છે
મળી જો શકે એક ફોટો સમયનો
“ઘરે આવ પાછો ” લખી છાપવો છે
ભલે હોય ખાલી કરો હાથ લાંબા
અમારો સમય છે મફત આપવો છે
- સુરેન્દ્રસિંહ જાડેજા
જરા તું ઝુક થૈ ડાળી તને સઘળુંય સાંપડશે,
પછી રાજી થશે માળી તને સઘળુંય સાંપડશે.
હશે જો ધાર એની તો જ ધાર્યું કામ કરવાની,
કલમ, કરવતને કોદાળી તને સઘળુંય સાંપડશે.
અદબ વાળી અહીં તું સાવ ખાલી હાથ કાં ઊભો ?
દઈ દે હાથમાં તાળી તને સઘળુંય સાંપડશે.
પ્રથમ તું શાંત દરિયાનો દરજ્જો સાવ છોડી દે,
નદી થૈ જાને નખરાળી તને સઘળુંય સાંપડશે.
ઉપરછલ્લું અડકવાથી કશું પણ હાથ નહીં લાગે,
રહેશે જાત ઓગાળી તને સઘળુંય સાંપડશે.
રટણ તું રોજ કરજે હા, કદી તો પ્રેમરસ પાશે,
વરસશે સ્હેજ વનમાળી તને સઘળુંય સાંપડશે.
- નીતિન વડગામા