Archive for December, 2008

15
Dec

મનહર મોદી

   Posted by: admin    in ગઝલ

એ અહીં છે અને  સવાલ નથી
ને છતાં હોય તો  ખયાલ નથી

મેં મને ને તને  જ  સમજાવ્યો
તું કહે એ જ તારી ચાલ નથી ?

હું નથી એ તો સાવ સાચું   છે
તું નથી એમાં કોઈ માલ નથી

આમ   ઢાંકે   અને   ઉઘાડે  છે
રેશમી શ્ર્વાસ  છે રૂમાલ નથી

કોણ   ચોરી  ગયું  તપાસ કરો
એક ઘરમાં કોઈ દીવાલ નથી

                - મનહર મોદી

3
Dec

અશોક ચાવડા ‘બેદિલ ’

   Posted by: admin    in ગઝલ

એવા  વિચારમાં જ વીતે છે સફરની સાંજ;
કેવી  રીતે  સદી ગઈ તારા વગરની સાંજ !

દિવસો  જતાં  ફરી   વળી  ચોપાસ શૂન્યતા,
પ્હેલાં  હતી  ભરી  ભરી તાજી કબરની સાંજ.

તું  આ  તરફ  શું  કામ  આવે છે  હે  જિંદગી,
છે  લોહિયાળ  કૈંક જખમોથી  નગરની સાંજ.

ખારાશ  એટલે  જ  તો   હિસ્સો   છે  આંખનો,
રસ્તામાં ક્યાંક આથમી મારી નજરની સાંજ.

ખોળામાં તારા આખરી શ્વાસો બીજું  તો  શું ?
તારા જ નામ પર હતી આ ઉમ્રભરની સાંજ.

- અશોક ચાવડા ‘બેદિલ ’