આવતા અણસાર જેવું રાખજે
વાગતા ભણકાર જેવું રાખજે
એ ઉદાસી કાપશે તારી પ્રિયે
તું સ્મરણને ધાર જેવું રાખજે
સાવ અમથા આમ લીટા ના દોર
કૈંક તો આકાર જેવું રાખજે
ત્યાગ તો તું શસ્ત્ર તારાં ત્યાગજે
જીત કરતાં હાર જેવું રાખજે
પાણીમાં તું એમ ના બેસી જતો
આમ તો ઉપચાર જેવું રાખજે
યાદ કરશે એ રીતે આખું નગર
ચાલતી ચકચાર જેવું રાખજે
- ફિલિપ કલાર્ક
હ્રદય ! થાકી ગયું આ પંથની આબોહવાથી શું ?
સમયને આ દિશામાં ધૂળ ખાતો રાખવાથી શું ?
ભરીને આંખમાં પાણી સૂરજને દેખવાથી શું ?
કે એ છલના નો સર્જક કમ હશે કંઈ ઝાંઝવાથી શું
પડયાં તો છો પડ્યા,અહીં ધ્રૂજતી ધીરજના પડછાયા
લથડતી ચાલ, ઠાલું પાત્ર, સંયમ રાખવાથી શું ?
ફલક પર જિંદગીના ભૂલથી ભટકયા ચલો મંજુર
ગ્રહો નબળા કહી, નભને ઉતારી પાડવાથી શું ?
‘ગની’ ગીતોની ટહુકાની તરહ બદલાય ઉદ્યાને
પુરાણી ડાળનાં પંખી બનીને બની બેસવાથી શું ?
- ગની દહીંવાલા
To watch the video click : election
હિન્દુસ્તાનના ભાવિને ઉંચે લઈ જઈએ આવો
ચુંટવાની તાકાતથી રંગી નાખો સૌ ચુનાવો
- લાઈન લગાવો
લાંબી લાંબી લાંબી લાંબી લાંબી લાઈન લગાવો
બૂથોને છલકાવી દઈ મતદાનની ધુમ મચાવો
- લાઈન લગાવો
એક બટન દાબીને આખે આખો દેશ બચાવો
લોકશાહીના માથા પર મતનું એક તિલક લગાવો
- લાઈન લગાવો
- ડો. મુકુલ ચોકસી