….. યાદ આવે

Comments Off on ….. યાદ આવે

હજુ પણ તમારી સતત યાદ આવે
હજુ રમેલી રમત યાદ આવે

તમે આંસુઓને જે પાલવથી લૂછ્યાં
ભીની લાગણીની મમત યાદ આવે

મહેકતા ફૂલોને હું જોવું છું જ્યારે
ગૂંથેલી તે માળા તરત યાદ આવે

કહેવા ચાહું નામ તારું હું સૌને
પણ નક્કી કરેલી શરત યાદ આવે

રગેરગ હું મહેકું છું તારે લીધે તો
પળેપળ વીતેલો વખત યાદ આવે

– કવિ મેઘબિંદુ

વૃદ્ધ દંપતી ……

Comments Off on વૃદ્ધ દંપતી ……

ઊંચકી બચપણ – યુવાનીનાં સ્મરણ બેસી રહ્યાં,
સાંજ લંબાતી ગઈ ને બેઉ જણ બેસી રહ્યાં.

કે પવન આવે હલે ડાલી ને ખરવાનું બને,
કઈ હદે? કઈ આશમાં? પીળાં પરણ બેસી રહ્યાં.

પ્હોંચવું જો હોય તો ક્યાં કૈં જ પણ આઘું હતું,
શુંય ઘૂંટાતું રહ્યું ભીતર? ચરણ બેસી રહ્યાં.

આવતાતાં આંખને તો રોજ અંધારાં છતાં,
ખૂબ મોંઘી ઊજળી લઈ એક ક્ષણ બેસી રહ્યાં.

પુત્ર ઓચિંતો કદી આવી જશે પરદેશથી,
કોઈ પણ સાંજે ન નીકળ્યા ક્યાંય પણ બેસી રહ્યાં

– રાજેશ વ્યાસ મિસ્કીન

@Amit Trivedi