લોહીમાં સ્મરણો ……..

Comments Off on લોહીમાં સ્મરણો ……..

લોહીમાં સ્મરણો નમાયાં નીકળે (તો?)
શ્વાસ પણ પાછા અભાગા નીકળે (તો?)

એક ઇંગિતની કીકી થઇ જાઉં,પણ,
વિસ્મયો તારા ઢળેલા નીકળે (તો?)

હું નગરના એ વળાંકે થોભું, પણ,
તારા ઘરથી માર્ગ સૂના નીકળે (તો?)

હું તને મળવાને દર્પણ થાઉં, પણ,
હા, પ્રતિબિંબો વમળનાં નીકળે (તો?)

આપણાં મન તો મળેલાં હોય, પણ,
સ્પંદનો ભૂરાં અજાણાં નીકળે (તો?)

કૈં તને ક્હું ને ગઝલ થઇ જાય,પણ,
એક બે શેઅર અકારા નીકળે (તો?)

– ડો. કિશોર મોદી

અરે, મારા આ હાથ છે જડભરત ……

Comments Off on અરે, મારા આ હાથ છે જડભરત ……

અરે, મારા આ હાથ છે જડભરત ને ઉપર આંગળીઓ અભણ, એકબે
હું જીવતા મનુષ્યો ગણું તો આ આખ્ખા નગરમાં મળે માંડ જણ એકબે

ઉઝરડા અને લોહીલુહાણ આખ્ખાય જીવતરનાં કારણ છે શું ?
મેં ફૂટપાથ પર એક જોશીને પૂછ્યું તો એણે કહ્યું કે : ‘સ્મરણ એકબે’

પરબ કઈ તરફ છે, પરબ કઈ તરફ છે ? તરસથી હવે લોહી ફાટી પડે
નજરમાંથી રણ સ્હેજે ખસતું નથી ને આ હાથોમાં છે ફક્ત ક્ષણ એકબે

ભટકતાં ભટકતાં, બટકતાં બટકતાં, પહોંચ્યોં હું મારા અનાગત સુધી
અપેક્ષાઓ રાખી તી ધોધની ત્યાં મળ્યાં માંડ સુક્કા ઝરણ એકબે

‘છે અહીં લીલું જંગલ ને ઝરણાં ને પંખી ને કલરવમાં પલળી ગયેલો રમેશ :’
ભીંતે આમ પંક્તિ લખીને હજુયે હું જોઉં ( છબીમાં) હરણ એકબે

મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ
મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે

– રમેશ પારેખ

તું માન ન માન કિરતાર …….

Comments Off on તું માન ન માન કિરતાર …….

તું માન ન માન  કિરતાર આપણે મળ્યાં છીએ એકવાર
ક્યાં ને ક્યારે કાંઈ ન જાણું પણ સ્મૃતિમાં સંચાર

કોઈ તને ચતુર્ભુજ ચીતરી તસ્વીરમાં ટીંગાવે
કોઈ હાથમાં બંસી આપે,  મોર મુગુટ પહેરાવે
પણ જો એ રાતા  આ ચ્હેરાની ઝાંખી નહીં લગાવે

અનુભૂતિ અણધારી તારી ભરી ભીડમાં થઇ તો ગઈ
અરે યાર તને ઢુંઢવા માટે ભૂગોળ બાકી રહી નહી
કોઈ સૂરત જડે  તારા સરખી પણ આવે નહી ઈતબાર

નિરાકાર તું એક વાર મને પવન મહીં  પરખાયો
ફૂલ નહિ પણ ફૂલની મ્હેંકે  જોયો મેં પથરાયો
તું જોવા જેવો લાગ્યો ભઈલા વીજળીના ઝબકારે
સૂરજમાં સરકી બૂઝાતો જોયો સાંજ સવારે
છોડ હવે આ માથાકૂટ ભઈ મળી જશું અણધાર


– અવિનાશ વ્યાસ
સ્વર : આલાપ દેસાઈ

સુખની આખી ઇન્ડેક્સ ……

Comments Off on સુખની આખી ઇન્ડેક્સ ……

 

 

સુખની આખી ઇન્ડેક્સ અને અંદર દુ:ખના પ્રકરણ,
તમે જિંદગી વાંચી છે? વાંચો તો પડશે સમજણ.

પૂંઠા વચ્ચે પાનાં બાંધ્યા, જેમ ડચૂરા બાઝે
આંસુના ચશ્માં પહેરીને પાને પાનાં વાંચે.
પથ્થરના વરસાદ વચાળે કેમ બચાવો દર્પણ?

હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવા લાયક,
તમે ફેરવો પાનાંને એ પુસ્તકમાંથી ગાયબ.
ફાટેલાં પાનાંના જેવાં ફાટી જાતાં સગપણ.

આ લેખક પણ કેવો એને દાદ આપવી પડશે,
લખે કિતાબો લાખો પણ ના નામ છપાવે કશે.
હશે કદાચિત લેખકજીને પીડા નામે વળગણ.

– મુકેશ જોશી

તારો વિચાર બારીના પડદે ઝૂલી ગયો, ……

Comments Off on તારો વિચાર બારીના પડદે ઝૂલી ગયો, ……

 

 

[wonderplugin_audio id="19"]

 

Click the link below to download the song :

Taro Vichar Bari Na Padde.mp3
 
 
તારો વિચાર બારીના પડદે ઝૂલી ગયો,
દશ્યોનો ભેદ એ પછી દરિયે ડૂબી ગયો

 
બે ડાળી વચ્ચે જાણે કે તડકો ગુલાબ છે ,
મોસમનો રંગ કેટલો મિઠ્ઠો બની ગયો !

પથ્થરની જેમ હાંફતા પીળા શહેરમાં ,
મારા સમયના મોરનો ટહુકો તૂટી ગયો.

આકાશ આમતેમ વિખરાઈ જાય પણ,
એકાદ સૂર્ય ઊગવું આજે ભૂલી ગયો.

એકાંતનો પરિચય એ રીતે થયો,
સૂનકાર તારી યાદની જેમ જ ઉભી ગયો !

– શ્યામ સાધુ

Older Entries

@Amit Trivedi