હવે નહીં જાઉં …

Comments Off on હવે નહીં જાઉં …

 

 
Click the link below to download

Have Nahi Jau Jal Bharva.mp3

 

હવે નહીં જાઉં જલ ભરવા એ કારણે ;
કહાના વિના જમુનાનો તટ ઘેર્યો નાગણે !

વારે વારે જોઉં હું તો ભર્યા ભર્યા માટમાં ;
કાંઈ નથી ફેર પડ્યો તૃષ્ણાનાં ઘાટમાં !

કહાના વિના કોણ,કહો,હાથ મારે માખણે ?
હવે નહીં જાઉં જલ ભરવા એ કારણે ….

ભમરાએ કરી દીધા છેદ બધા વાંસમાં ;
વાયુ વાતા વાંસળીના સૂર ઊઠે રાતમાં !

ધાવતું વછોડી બાળ, દોડી જઉં આંગણે !
કહાના વિના જમુનાનો તટ ઘેર્યો નાગણે !

ઉધ્ધવજી ! ક્ષણેકમાં આપું નવનિધિ ;
ક્હાનો પાછો આણવાનો બતાવો જો વિધિ !,
હઠ કરે છોડી જવા, જીવ બાંધ્યો તાંતણે !

હવે નહીં જાઉં જલ ભરવા એ કારણે ;
કહાના વિના જમુનાનો તટ ઘેર્યો નાગણે !

– વીરુ પુરોહિત

સ્વર : નિધિ ધોળકિયા

સ્વરાંકન : ડો ભરત પટેલ

બહુ મોડે સમજાયું ઉધ્ધવ ….

Comments Off on બહુ મોડે સમજાયું ઉધ્ધવ ….

Viru Purohit

 

 

Click the link below to download
 
Bahu Mode Samjayu Udhdhav.mp3

બહુ મોડે સમજાયું ઉધ્ધવ
જલ પીવા કંઈ ઉડે કૂવે ખાબકવાનું હોય ?
સીંચણિયાથી ઘડો ભરીને તૃપ્ત થવાનું હોય

ગગન સ્પર્શવા અમે વેલીઓ વૃક્ષ ઉપર જઈ ચડ્યા
હતું બટકણું વૃક્ષ એટલે કડડડભૂસ થઇ પડ્યા
લાભ થાય શું ઝોળી લઈને સૂર્ય કિરણ ભરવાથી
માટીની પૂતળી થઇને શું મળે નદી તરવાથી ?
બહુ મોડે સમજાયું ઉધ્ધવ

અંધારે ડગ ભરતા પ્હેલાં વિચારવાનું હોય
જલ પીવા કંઈ ઉડે કૂવે ખાબકવાનું હોય ?
ઉધ્ધવ બહુ મોડે સમજાયું ઉધ્ધવ

કહ્યું હોત જ્ઞાનીએ તો સૌ જાગીજાત ને વહેલાં
પાળ બાંધવી પડે વિરહનું પૂર આવતાં પ્હેલાં
હતા અમે અણસમજુ પણ શું કાન જાણતાં નહોતાં ?
ઉધ્ધવજી એ ગયા ઉખેડી સઘળા ને મૂળ સોતા
બહુ મોડે સમજાયું ઉધ્ધવ

અબળા એ તો પ્રેમ કરી બસ કરગરવાનું હોય
જલ પીવા કંઈ ઉડે કૂવે ખાબકવાનું હોય ?
ઉધ્ધવ બહુ મોડે સમજાયું ઉધ્ધવ

– વીરુ પુરોહિત

સ્વર : નિધિ ધોળકિયા

સ્વરાંકન : ડો ભરત પટેલ

@Amit Trivedi