ભુવા જાગરિયા ના દોરા

Comments Off on ભુવા જાગરિયા ના દોરા

Vanchit Kukamawala
વંચિત કુકમાવાળા

 


 

Click the link below to download
 
Bhuva Jagariya Na Dora.mp3
 

ભુવા જાગરિયા ના દોરા તું છોડ ,
ભુવા જાગરિયા ના દોરા તું છોડ ,
અને ના માળા ફેરવ તું સીતારામ ની ,
તને નજરું લાગી છે મારા નામ ની ,
હો તને નજરું લાગી છે મારા નામ ની ..
ભુવા જાગરિયા ના દોરા તું છોડ ..

લહેરાતા વાળ તારે ખેંચી ને બાંધવા ને આઈના માં જોઈ અમથું હસવું …
માથે ઓઢી ને તારું શેરી માં ફરવું , અને ઉંબરે બેસી ને તારું રડવું ,
ઘર નાં તો ઠીક, હવે ગામ આખું કહેશે કે ,
રહી ના હવે તું કશા કામ ની હો તને નજરું લાગી છે મારા નામ ની .
ભુવા જાગરિયા ના દોરા તું છોડ ,

વાસીદું કરશે તો છાણ વાળા હાથ હવે મેહેંદી રંગેલ તને લાગશે ,
ઓચિંતા આંગળી માં વાગશે ટચાકા ને ,
કેટલીયે ઈછાઉં જાગશે ,
વાડીએ જવા નું કોઈ બહાનું કાઢી ને હવે ,
પકડી લે કેડી મારા ગામ ની હો તને નજરું લાગી છે મારા નામ ની ,
ભુવા જાગરિયા ના દોરા તું છોડ ,
અને ના માળા ફેરવ તું સીતારામ ની, હો તને નજરું લાગી છે મારા નામ ની …..

– વંચિત કુકમાવાળા

સ્વરાંકન : અનિલ ધોળકિયા
સ્વર : અનિલ ધોળકિયા .

ઉધ્ધવજી ! કહેજો એને

Comments Off on ઉધ્ધવજી ! કહેજો એને

 

 

Click the link below to download

udhdhavji Kahe jo Ene .mp3
 
ઉધ્ધવજી! કહેજો એને ,કૈં તને શોધવા અમે રવડતાં નથી !

ઘણાં મિષે કૂહાનાને ઝાઝાં નખરાં કરવાં દીધાં ;
જાણી જોઈને અમે અમારાં વસ્ત્રો હરવાં દીધાં !
એ ભોળાએ માન્યું કે એ મેઘ અમે સૌ ચાતક ;
અમે રાસમાં રમ્યાં હતાં , એ હતું અમારું નાટક !

ઉધ્ધવજી ! કોઈ સાથ વિના જો, સ્વસ્થ ચાલીએ અમે ગબડતાં નથી !
ઉધ્ધવજી ! કહેજો એને ,કૈં તને શોધવા અમે રવડતાં નથી !

હતાં જાણતાં કે કપટીની કેવી પ્રીત ;
નીકળી મોવાળો, ધર્યું રહેશે નવનીત !’
થાય ઘણું : જઈને મથુરામાં રોજ પીટાવું દાંડી;
કરો ભરોસો સઘળાંનો ,બસ એક કૃષ્ણને છાંડી !

ઉધ્ધવજી ! કોઈ માતવછોયાં બાળક સાથે અમે ઝગડતાં નથી !
ઉધ્ધવજી ! કહેજો એને ,કૈં તને શોધવા અમે રવડતાં નથી !

– વીરુ પુરોહિત

સ્વરાંકન : ડો ભરત પટેલ
સ્વર : નિધિ ધોળકિયા

કદીક એવું બને !

Comments Off on કદીક એવું બને !

 

 
Click the link below to download
 
Kaik Evu Bane.mp3

 
કદીક એવું બને !
મગ્ન હોઉં હું ભરતકામમાં ;
ત્યાં શ્યામ અચિંતા આંખો દાબી ઝબકાવી દે મને !

હોય જાણ કે છે માધવ, પણ અન્ય નામ ઉચ્ચારું ;
શા કાજે આ મધુર ક્ષણોને ના લંબાવું, વારુ ? !
હળવે એની આંગળીએ હું સોય ખૂંચાડું પહેલાં ;
પછી આંગળી ઝટપટ ચૂસું ,ના જવા દઉં વહેલાં !

ઉધ્ધવ ! આવા અભિલાષ છે;
પણ કૃષ્ણ હવે શું ત્યજી સિહાંસન આવે મારી કને ?
કદીક એવું બને !

પવન અલકલટ વંછરે ,તો ભ્રમ થતો એ છે ;
શમણે આવી રોજ શામળો બાહુપાશમાં લે છે !
ખર્યા ફૂલ ધરતી પર ભાળી ,થાય; બિછાવી સેજ;
આળોટું ઘેલી થઈ ત્યાં તો સુગંધ પામું એ જ !

સ્ત્રીની ચાલચલણ શું જાણો ?
તમે પુરુષ છો ,કેવળ ચાલો તમે પાઘડીપને !

કદીક એવું બને !
મગ્ન હોઉં હું ભરતકામમાં ;
ત્યાં શ્યામ અચિંતા આંખો દાબી ઝબકાવી દે મને !

-વીરુ પુરોહિત

સ્વરાંકન : ડો ભરત પટેલ
સ્વર : નિધિ ધોળકિયા

અમથા અમથા અડ્યા …

Comments Off on અમથા અમથા અડ્યા …

 

 

Click the link below to download

Amtha Amtha Adya.mp3
 
અમથા અમથા અડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા.
એક ખૂણામાં પડી રહેલા હતા અમે તંબૂર;
ખટક અમારે હતી, કોઇ દી બજવું નહીં બેસૂર:
રહ્યા મૂક થઇ, અબોલ મનડે છાના છાના રડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

જનમ જનમ કંઇ ગયા વીતી ને ચડી ઊતરી ખોળ;
અમે ન કિંતુ રણઝણવાનો કર્યો ન કદીયે ડોળ:
અમે અમારે રહ્યા અઘોરી, નહીં કોઇને નડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

આ જનમારે ગયા અચાનક અડી કોઇના હાથ;
અડ્યા ન કેવળ, થયા અમારા તાર તારના નાથ:
સૂર સામટા રહ્યા સંચરી, અંગ અંગથી દડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

હવે લાખ મથીએ, નવ તોયે રહે મૂક અમ હૈયું;
સુરાવલી લઇ કરી રહ્યું છે સાંવરનું સામૈયું:
જુગ જુગ ઝંખ્યા ‘સરોદ’-સ્વામી જોતે જોતે જડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

-મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’

સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય

સ્વર : હંસા દવે અને પુરુષોત્તમ ઉપાધ્યાય

@Amit Trivedi