આ પા મેવાડ, અને ઓલી પા દ્વારિકા

Comments Off on આ પા મેવાડ, અને ઓલી પા દ્વારિકા

 


 
આ પા મેવાડ, અને ઓલી પા દ્વારિકા,
વચ્ચે સૂનકાર નામ મીરાં
રણકી રણકીને કરે ખાલીપો વેગળો,
હરિના તે નામના મંજિરા
બાજે રણકાર નામ મીરાં…

મહેલ્યુંમાં વૈભવના ચમ્મર ઢોળાઇ
ઉડે રણમાં તે રેતીની આગ
મીરાંના તંબુરના સૂરે સૂરેથી વહે
ગેરૂવા તે રંગનો વૈરાગ

ભગવું તે ઓઢણું ઓઢ્યું મીરાએ
કીધા જરકશી ચૂંદડીના લીરા
સાચો શણગાર નામ મીરાં…

રણને ત્યજીને એક નિસરે રે શગ
એને દરિયે સમાવાના કોડ
રાણાએ વિષનો પ્યાલો ભેજ્યો
એણે સમરી લીધા શ્રી રણછોડ
જળહળમાં ઝળહળનો એવો સમાસ
જાણે કુંદનની વીટીંમા હીરા
જીવતો ધબકાર નામ મીરાં…

– ભગવતીકુમાર શર્મા

સ્વર : આલાપ દેસાઇ

તમને એમાં વાંધો છે કંઈ

Comments Off on તમને એમાં વાંધો છે કંઈ

 

 

અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?
ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

આજે સ્હેજ છાતીની અંદર શું દુ:ખે છે એને જાણી લેવાનું મન થઈ આવ્યું છે
એ કારણસર છાતી ઉપર થોડો ચંચુપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

સમય નામના ડસ્ટરથી ભૂંસાઈ જવાના ડરની મારી છાને ખૂણે જઈ બેઠી જે –
એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ

જ્યારે પણ ઉપસી આવે છે લમણાંની કોઈ નસ તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર
વ્હાલપની એ મૂર્તિ માટે જીવની હું બિછાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?

જાણું છું કે આપ તો સાંગોપાંગ રસિક છો, હે શ્રૌતાજન ! નમન આપની રસવૃત્તિને –
કિન્તુ હું પણ આંસુની છાલકથી ઉલ્કાપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે સહસા એને જડશે પાણીદાર રહસ્યો
એવું કોઈ એક ટીપું લઈને એના સમદર સાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

કબીર નરસિંહ મીરાં નામે ખળખળતી એક નદી આપની અંદર વ્હેતી મેં ભાળી છે
સ્હેજ આપની પડખે બેસી હું ય જાત રળિયાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

– સંજુ વાળા

સ્વર : ડો ભરત પટેલ

સ્વરાંકન : ડો ભરત પટેલ

ઘેઘૂર થઈ ગયો છે

Comments Off on ઘેઘૂર થઈ ગયો છે


ઘેઘૂર થઈ ગયો છે વર્ષાનો શામિયાણો
આકાશને ધરા છે મલ્હારનો ઘરાણો

ગુજરીમાં જઈને પુસ્તક જૂનું ખરીદ્યું કિંતુ
ઉથલાવતા મળ્યો એક કાગળ બહુ પુરાણો

બુદ્ધિને લાગણીઓ જકડાયેલો ઝૂરાપો
માણસ ઊપર પડે છે, ચોમેરથી દબાણો

ડૂબી જશે કે તરશે આ કાળના પ્રહારે
મેં લોહીથી કર્યા છે મારા બધાં લખાણો

– ભગવતીકુમાર શર્મા

સ્વર : ગાર્ગી વોરા

સ્વરાંકન : આલાપ દેસાઈ

ગ્રંથ ખોલતા ગ્રંથી મનની,

Comments Off on ગ્રંથ ખોલતા ગ્રંથી મનની,

 


 
અમદાવાદ નેશનસ બૂકફેર માટે ખાસ ગીત લખ્યું આ ગીતને શ્યામલ-સૌમિલે સ્વરબધ્ધ કર્યું ને આરતી મુનશી સંગાથે ગાયું .
માન. મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણીનેવરદ હસ્તે વહેતું મૂક્યુ.

ગ્રંથ ખોલતા ગ્રંથી મનની,
દૂર કરે સૌ બંધન,
હે પુસ્તક, તને વંદન.

વિદ્યાદાયિની મા સરસ્વતી કેરો તું પ્રસાદ,
વાદ વિવાદને અંતે રચતું,
તું જ અજબ સંવાદ.
સમાન સૌ તારી નજરોમાં
ધનિક હોય કે નિર્ધન.
હે પુસ્તક, તને વંદન.

પુસ્તક જઇ મસ્તકમાં વસતું,
રૂપ ધરે બુધ્ધિનું,
પુસ્તક હૈયે હસતું રૂપ છે
લાગણીની વૃધ્ધિનું.
લાગણી ને બુધ્ધિ બંનેનું
તું કરતું અનુમોદન.
હે પુસ્તક, તને વંદન.

પુસ્તક એવું પુષ્પ છે
જે ના કદીય કરમાતું.
પીળાં થાતાં પર્ણ છતાં યે
સદાય એ પમરાતું.
ઉત્તમ પુસ્તક વાંચતા
આખું મ્હેકી ઊઠે જીવન.
હે પુસ્તક, તને વંદન.

શબ્દરચના: તુષાર શુક્લ
સ્વરરચના: શ્યામલ-સૌમિલ
ગાયક કલાકારો: આરતી-શ્યામલ-સૌમિલ અને વૃંદ.

હજુ રસભર રાત …

Comments Off on હજુ રસભર રાત …

 


 

હજુ રસભર રાત તો બાકી રહી ગઈ,

ના જા, ના જા, સાજના…..

હજુ ચંદ્ર નથી બુઝાઈ ગયો
છે તારાઓની છાંય,
હજુ રજનીના શ્યામલ પગલાં
થોડું દૂર રહ્યું છે પ્રભાત…
જરી જંપ્યુ ગગન વિરાટ,
ના જા, ના જા, સાજના…..

હજુ ચંદનભીની કુંજન છે
હજુ સૂર ગુંજે સૂનકાર…
હજુ ઢળ્યું નથી કંકુ સૂરજનું
તિમિર ને પગથાર.
હજુ ઝાંખી બળે દીપમાળ,
ના જા, ના જા, સાજના…..

– અવિનાશ વ્યાસ

સ્વર : હર્ષિદા રાવલ

Older Entries

@Amit Trivedi