સામાય ધસી જઈએ

Comments Off on સામાય ધસી જઈએ

 

 

સામાય ધસી જઈએ, આઘાંય  ખસી જઇએ,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય  વસી જઇએ.

આમેય   વિતાવવાની  છે  રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઈએ.

એકેક     કસોટીમાં     છે    પાર   ઉતરવાનું,
હર  શ્વાસ   કસોટી   છે,  એનેય  કસી જઇએ.

આ   ફીણ   તરંગોનાં  છે   શીખ  સમંદરની,
રેતાળ  કિનારા   પર  હેતાળ   હસી   જઇએ.

ઉત્કંઠ     હવામાં     છે    સંગાથ   સુગંધોનો,
હોવુંય   હવે   ઉત્સવ,  આકંઠ   શ્વસી  જઇએ.

– રાજેન્દ્ર શુકલ

સ્વર : અમર ભટ્ટ

ધેનુકાની આંખોમાં

Comments Off on ધેનુકાની આંખોમાં

 


 

ધેનુકાની આંખોમાં જોયા મેં શ્યામ હે એના રૂંવે રૂંવે વાંસળી વાગે !
ધેનુકાની ધાબળીમાં ઝૂલે ગોકુલ એની વાંસળીમાં ગોપીઓ ઘેલી,

પારિજાત પાથરીને રુકમણીજી બેઠાં ને રાધિકા તો ઝૂલતી ચમેલી !
હે મનગમતું મોરપિચ્છ લ્હેરાતું જાય અને પોઢેલા જમુનાજી જાગે !

ધેનુકાની આસપાસ ખુલ્લો અવકાશ એના રથમાં બેઠા છે મારા સારથિ,
ગીતાનો સાદ સૂણી ઓસરે વિષાદ એના અંતરમાં આનંદની આરતી !
હે ધેનુકાને ધબકારે ઓધવજી ઝૂલે ને મીરાં એના મોહનને માંગે !

– સુરેશ દલાલ

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

રાધાનું નામ તમે વાંસળીના સૂર

Comments Off on રાધાનું નામ તમે વાંસળીના સૂર

 


 

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ!
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!

વણગૂથ્યા કેશ અને અણઆંજી આંખડી કે ખાલી બેડાની કરે વાત;
લોકો કરે છે શાને દિવસ ને રાતડી મારા મોહનની પંચાત.
વળી વળી નીરખે છે કુંજગલીઃ પૂછે છે, કેમ અલી? ક્યાં ગઇ તી આમ?
રાધાનું નામ તમે…

કોણે મૂક્યુ રે તારે અંબોડે ફૂલ એની પૂછી પૂછીને લિયે ગંધ;
વહે અંતરની વાત એ તો આંખ્યુની ભૂલ જો કે હોઠોની પાંખડીઓ બંધ
મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ;
રાધાનું નામ તમે…

– સુરેશ દલાલ

સ્વર : ગાર્ગી વોરા

આંખ તો મારી આથમી રહી 

Comments Off on આંખ તો મારી આથમી રહી 

 
 


 
 
આંખ તો મારી આથમી રહી કાનના કૂવા ખાલી.
એક પછી એક ઇન્દ્રિય કહેે હમણાં હું તો ચાલી.

શ્વાસના થાક્યા વણઝારાનો
નાકથી છૂટે નાતો,
ચીમળાયેલી ચામડીને હવે
સ્પર્શ નથી વરતા’તો.

સૂકા હોઠની    પાસે રાખો  ગંગાજળને ઝાલી,
એક પછી એક ઇન્દ્રિય કહેઅબઘડી હું ચાલી.

નસના ધોરી રસ્તા તૂટ્યા
લોહીનો ડૂબે લય.
સ્મરણમાં તો કાંઈ કશું નહીં
વહી ગયેલી વય.

પંખી ઊડ્યું   જાય ને પછી  કંપે જરી ડાળી.

– સુરેશ દલાલ

સ્વર : આશિત દેસાઈ

મેં તજી તારી તમન્ના

Comments Off on મેં તજી તારી તમન્ના

 


 

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

– મરીઝ

સ્વર : બેગમ અખ્તર

Older Entries

@Amit Trivedi