Archive for October 6th, 2017

હરિ તને શું સ્મરીયે

Friday, October 6th, 2017

 


 

હરિ તને શું સ્મરીયે
આપણ જળમાં જળ સમ રહીયે
વણ બોલે વણ સાંભળીયે પણ મબલખ વાતો કરીયે
હરિ તને શું સ્મરીયે …

કોને કોના દર્શન કરવા કોનું ધરવું ધ્યાન
ચાલને એવું રહીયે જેવું લીલાશ સાથે પાન
હું પાણી તું દરીયો એમાં શું બુડીયે શું તરીયે!
હરિ તને શું સ્મરીયે …

પાંખોને પીંછાથી ગણવી કેમ કરીને જુદી
હું થી તું અળગો છે એવી વાત ક્યહીંથી સુઝી
કોને જોડું હાથ, ચરણમાં કોના જઈને પડીયે!
હરિ તને શું સ્મરીયે

આપણ જળમાં જળ સમ રહીયે
વણ બોલે વણ સાંભળીયે પણ મબલખ વાતો કરીયે
હરિ તને શું સ્મરીયે …

– ધ્રુવ ભટ્ટ.

સ્વર : રાસબિહારી દેસાઇ