આંખમાંથી શું ઝરે છે

Comments Off on આંખમાંથી શું ઝરે છે

 

 

આંખમાંથી  શું  ઝરે  છે  શી ખબર
જે  દિવસ  છોડી  દીધું તારું નગર

એક પળ  તારા વિના ના  રહી શકું
તું   રહે  આરામથી   મારા    વગર

જીવથી   એને   વધુ     ચાહીશ  હું
લાવશે  તારા   મિલનની  જે  ખબર

લાગણી    મારી    છે  આયુર્વેદ  શી
એટલે    મોડી    તને   થશે   અસર

હોત    તું   પથ્થર   તો સારું થાત કે
હું   તને   પૂજી  શકત પૂછ્યા  વગર

– મુકેશ જોષી

સ્વર : આલાપ દેસાઈ

 

વૈષ્ણવજન તો તેને રે કહીયે

Comments Off on વૈષ્ણવજન તો તેને રે કહીયે

 

 

વૈષ્ણવજન   તો   તેને  રે  કહીયે  જે પીડ પરાઈ જાણે રે
પરદુઃખે  ઉપકાર કરે તોયે  મન  અભિમાન  ન  આણે  રે

સકળ   લોકમાં   સહુને   વંદે   નિંદા   ન   કરે     કેની   રે
વાચ  કાછ  મન  નિશ્ચલ  રાખે  ધન ધન જનની તેની રે

સમદ્રષ્ટિને     તૃષ્ણા   ત્યાગી    પરસ્ત્રી   જેને    માત   રે
જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન  નવ  ઝાલે  હાથ  રે

મોહ માયા વ્યાપે નહિ જેને દ્રઢ  વૈરાગ્ય  જેના મનમાં રે
રામનામશું તાળી રે વાગી સકળ તિરથ તેના  તનમાં રે

વણલોભી  ને   કપટ  રહિત  છે  કામ  ક્રોધ   નિવાર્યા  રે
ભણે  નરસૈયો  તેનું  દર્શન  કરતા  કુળ ઈકોતેર તાર્યા રે

– નરસિંહ મહેતા

સ્વર : કૌશિકી ચક્રવતી

દૂર રહે ત્યારે…

Comments Off on દૂર રહે ત્યારે…

 

 

દૂર રહે ત્યારે પણ લાગે આસપાસ તું સાજન
મારા દિલની ધડકન મારી તિવ્ર પ્યાસ તું સાજન

કદી લડખડું તો ઝપ્પ દઈને લઇ લેજે તું બાથે
જીવનપથ પર હાથ ઝાલીને ચાલીશું સંગાથે
મેં ચૂંટેલું મઘમઘતું એક ફૂલ ખાસ તું સાજન
દૂર રહે ત્યારે પણ લાગે આસપાસ તું સાજન

તું છે સરવર સ્નેહ તણું હું એમાં તરતી હોડી
તને પામવા ખળખળ કરતી નદી જેમ હું દોડી
હું શ્ર્વસતી પળપળ એ પુલકિત પરમ શ્ર્વાસ તું સાજન
દૂર રહે ત્યારે પણ લાગે આસપાસ તું સાજન

દૂર રહે ત્યારે પણ લાગે આસપાસ તું સાજન
મારા દિલની ધડકન મારી તિવ્ર પ્યાસ તું સાજન

– રીનલ પટેલ

સ્વર : ડો ફિરદોશ દેખૈયા

સ્વરાંકન : ડો ફિરદોશ દેખૈયા

ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ

Comments Off on ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ

 

 

ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

પાછલી તે રેણની નીંદરની કામળી
આઘી હળસેલતીક જાગું
દયણે બેસુંને ઓલી જમનાના વ્હેણની
ઘુમ્મરીમાં બૂડતી લાગું

બારણાંની તડમાંથી પડતા અજવાસને
ટેકે ઊભી રે મારી ધારણા
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

કૂકડાંની બાંગ મોંસૂઝણાંની કેડીએ
સૂરજની હેલ્ય ભરી આવે
કોડના તે કોડિયે ઠરતા દીવાને ફરી
કાગડાના બોલ બે જગાવે

ખીલેથી છૂટતી ગાયુંની વાંભ મુંને
બાંધી લ્યે થઈને સંભારણાં
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

-રમેશ પારેખ અને અનિલ જોશી
[ સહિયારી રચના ]

સ્વર : રવિન નાયક

વરસું તો હું ભાદરવો

Comments Off on વરસું તો હું ભાદરવો

 


 

વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ;
મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.

ઘેરાઉં તો વાદળ કાળા, વિખરાઉં તો વ્હાલ
ભિંજાઉં તો શ્રાવણ છલબલ, કોરું તો દુષ્કાળ

બીડાઉં તો સ્વપ્ન સલુણું, ઊઘડું તો હું આશ
મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.

વરસું તો હું ભાદરવો…

ફોરું તો હું ફૂલ અને જો બટકું તો હું ડાળ
ચાલું તો હું પંથ અને ભટકું તો અંતરિયાળ

ઊડું તો આકાશ, નહિ ઊડું તો ઘાયલ શ્વાસ
મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.

વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ;
મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.

વરસું તો હું ભાદરવો…

સ્વરઃ નયના ભટ્ટ

ગીતઃ ભગવતીકુમાર શર્મા

સંગીતઃ હરીશ ઉમરાવ

Older Entries

@Amit Trivedi