સામસામે આવીએ તો

Comments Off on સામસામે આવીએ તો

 


 

સામસામે આવીએ તો ફફડે બે હોઠ પછી બોલવાનું સાનભાન ખોઇએ,
બે’ક ઘડી લાગે કે આટલામાં હોઇએ ને બે’ક ઘડી લાગે ન હોઇએ.

આખું આકાશ એક બટકેલી ડાળ પર લીલેરી કુંપળ થઇ ફૂટે
છાતીમાં સંઘરેલ સાત-સાત દરિયાઓ પરપોટા જેમ પછી ફૂટે
ધોમધોમ તડકામાં પાસપાસે ચાલીએ તો લાગે કે ભીંજાતા હોઇએ…
… બોલવાનું સાનભાન ખોઇએ.

સામસામે આવીએ તો ફફડે બે હોઠ પછી બોલવાનું સાનભાન ખોઇએ.
સાવ રે સભાનતાથી સાચવેલું ભાન અહીં યાદોમાં ધૂળધૂળ થાતું,
ડેલીબંધ બેઠેલા હોઇએ છતાંય કોઇ આવીને સાવ લૂંટી જાતું,
પૂરબહાર હસવાની મૌસમમાં કોઇવાર ઓચિંતા અંદરથી રોઇએ..

… બોલવાનું સાનભાન ખોઇએ.

સામસામે આવીએ તો ફફડે બે હોઠ પછી બોલવાનું સાનભાન ખોઇએ,
બે’ક ઘડી લાગે કે આટલામાં હોઇએ ને બે’ક ઘડી લાગે ન હોઇએ.

-વંચિત કુકમાવાલા,

સ્વર : પ્રીતિ ગજ્જર, ભાસ્કર શુક્લ

રીમઝીમ રીમઝીમ

Comments Off on રીમઝીમ રીમઝીમ

 

 

રીમઝીમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ
બાદલ બરસે , રીમઝીમ બાદલ બરસે ,
રીમઝીમ બરસે, બાદલ બરસે
હો…..મારું મન ગુંજે ઝનકાર , મારું મન ગુંજે ઝનકાર
રીમઝીમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ !!!!

સાવન ની સખી સાંજ સુહાગી
કરતા મોર પુકાર,ગગન ગોખથી
મદભર નૈના , વીજ કરે ચમકાર
મારું મન ગુંજે ઝનકાર
રીમઝીમ બરસે, બાદલ બરસે
રીમઝીમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ

આંજણ આંજું , પહેરું પટોળા
સોળ સજું શણગાર ,
કઈ દિશ થી મારો કંઠ પધારે
કોઈ દિયો અણસાર। ..
મારું મન ગુંજે ઝનકાર
રીમઝીમ બરસે, બાદલ બરસે

– સુન્દરમ

સ્વર : વિભા દેસાઈ

સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

રાતદિવસ ગોખલે

Comments Off on રાતદિવસ ગોખલે

 

 

રાતદિવસ ગોખલે રહી-રહીને તુલસીદલ સડ્યાં
બે જ પળ મૂકી દીધાં  તડકે,  ટપોટપ  ઊઘડ્યાં!

બાવડું   ચલવે    હથેળી?   કે   હથેળી   બાવડું?
કેટલા સ્હેલા   સવાલો!  જોશીને  ના  આવડ્યા…

મંગળા ત્રણસો, શયન સો, દોઢસોમાં રાજભોગ;
આપને ઠાકોરજી બહુ વાજબી   ભાવે   પડ્યા….

જો કહો   તો આંગળી   વાઢીને    અજવાળું  કરું
આશકા લઈ  હાથ   ધોઈ નાખતાં ના આવડ્યા

કુંડળી   જોવાને     ત્યારે   કોણ   રોકાયું   હતું?
મેષ ને  મંગળ ધનુષ ભેગા  જ  ભાંગીને  પડ્યા

હું   હજીયે   એકડા   પર   એકડો     ઘૂંટ્યા   કરું
આપને   તેંત્રીસ   કોટી  કેવી  રીતે આવડ્યા?

સૌ કોઈ પરસાદના પડિયાઓને  જોતાં   હતાં
એ  જ  ટાણે, એક પળ માટે જ, દર્શન ઊઘડ્યાં

– ઉદયન ઠક્કર

સ્વર અને સ્વારાંકન : ડો ભરત પટેલ

અડધી રમત થી

Comments Off on અડધી રમત થી

 

 

અડધી   રમત   થી  ઊઠવાની    છૂટ   છે   તને,
તારી   શરત   થી   જીતવાની  છૂટ     છે   તને.

વાતો   જો   થઈ   શકે   તો   દિલે  બોજ ના રહે,
સીવેલાં   હોઠ  લઈ   જવાની     છૂટ   છે    તને.

ખાલી   જગા   સમાન   આ   જીવન   હવે  થયું,
પૂરી      શકે     એ    પૂરવાની   છૂટ    છે    તને.

મરજીથી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં   છે   દ્વાર,   આવવાની   છૂટ     છે   તને.

નિશ્ચય   છે   મારો,   હું   તને  પામું આ જન્મમાં,
ચોર્યાસી    લાખ    વેઠવાની    છૂટ    છે    તને.

આ   આંગળીનાં    શ્વાસમાં   થઈ શબ્દની હવા,
આશ્રિતને    પ્રાણ    બક્ષવાની   છૂટ   છે   તને.

: ડો. વિવેક ટેલર

સ્વર : અમન લેખડિયા

સંગીત : મેહુલ સુરતી

વાંસના વનમાં થઇ વાતો પવન

Comments Off on વાંસના વનમાં થઇ વાતો પવન

 

 

વાંસના વનમાં થઇ વાતો પવન,
કૃષ્ણ તણી ફૂંક થઇ ગાતો પવન.

તું મને સ્પર્શી ગઈ એવી રીતે,
ભ્રમ થયો એવો અરે ! આ તો પવન.

શ્વાસ તો તૂટી રહ્યાં છે ક્યારનાં,
ગ્રીષ્મ સાંજે ઠોકરો ખાતો પવન.

કોઇનાં છૂટી ગયાં છે પ્રાણ શું,
કેમ આ કંઇ વેળથી વાતો પવન.

– ભગવતીકુમાર શર્મા

સ્વર : રવિન નાયક

સ્વરાંકન : પરેશ ભટ્ટ

@Amit Trivedi