એક છોકરીના હાથથી રૂમાલ પડે

No Comments

 

 

એક છોકરીના હાથથી રૂમાલ પડે તે લેવા આખું યે ગામ વળે નીચે
જુવાન આંખ ફાડે , બુઢ્ઢાઓ આંખ મીંચે

નામ કોનું રૂમાલમાં આ છોકરીએ ભર્યું છે
તે બાબત પર ઠેર ઠેર ગરમી
પડ્યા ગામના બગીચાઓ ખાલી કુંજાર
અને નાસ્તિકો થઈ ગયા ધરમી
કારણ કે મંદિરે જાય છોકરી તો લોક શું કરવા
ટળવળે બગીચે ?

એક છોકરીના હાથથી . . . . . . . . . . . .

ગંધ છોકરીની આવી જે જીવને તે જીવની ગંભીરતામાં પડી ગયો ગોબો
સહુ છોકરાને અરીસાઓ ઠપકો આપે કે
” જરા મોંઢાંઓ માંજો ને શોભો ”

કારણ કે ફળિયાના હીંચકે આ છોકરી એકલી બેસીને રોજ હીંચે

એક છોકરીના હાથથી રૂમલ પડે તે લેવા . . . . . .

રમેશ મળે ક્યાં રમેશમાં ?!

– રમેશ પારેખ

સ્વર : રાગ મહેતા

સ્વરાંકન : રિષભ મહેતા

ચિત્ત તું શીદને ચિંતા ધરે ?

No Comments

 

 

ચિત્ત તું શીદને ચિંતા ધરે ?
કૃષ્ણને કરવું હોય તે કરે !

સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ જઠથી ઠરે;
સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જનમ જનમના પાપ હરે
કૃષ્ણને કરવું હોય તે કરે !

નવ રે માસ રહી ગર્ભમાં પ્રાણી કૃષ્ણચંદ્ર નું ધ્યાન ધરે;
માયાનું જ્યાં કર્યું આવરણ , લખ ચોરાશી ફરે
કૃષ્ણને કરવું હોય તે કરે !

દોરી સૌની હરને હાથે ,એને ભરાવ્યું તે ડગલું ભરે;
જેવો જંત્ર વગાડે જંત્રી તેવો તેનો સ્વર નીસરે
કૃષ્ણને કરવું હોય તે કરે !

તારું ધાર્યું થાતું હોય તો, સુખ સાચેને દુઃખ હરે;
રાખ ભરોસો રાધાવરનો, જીવ હવે તું શીદને ડરે ?
કૃષ્ણને કરવું હોય તે કરે !

-દયારામ

સ્વર : સચિન લિમયે

ગઢને હોંકારો તો

No Comments

 

 

ગઢને હોંકારો તો કાંગરાય દેશે,
પણ ગઢમાં હોંકારો કોણ દેશે ?
રાણાજી, તને ઉંબરે હોંકારો કોણ દેશે?

આઘેઆઘેથી એને આવ્યાં છે કહેણ,
જઈ વ્હાલમશું નેણ મીરાં જોડશે,
હવે તારો મેવાડ મીરાં છોડશે.

આઠે અકબંધ તારા ભીડ્યા દરવાજાનાં ફૂલ જેમ ખૂલશે કમાડ
વેગીલી સાંઢણીઓ વહી જાશે દૂર મૂકી ધૂળ મહીં ઊડતો મેવાડ

કિનખાબી પહેરવેશ કોરે મૂકીને મીરાં
કાળું મલીર એક ઓઢશે.
હવે તારો મેવાડ મીરાં છોડશે.

પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે લઇ લેણદેણ તૂટ્યાનું શૂળ
ડમરી જેવું રે સહેજે ચડતું દેખાશે પછી મીરાં વીખરાયાની ધૂળ

મીરાં વિનાનું સુખ ઘેરી વળશે ને રાજ
રૂંવે રૂંવેથી તને તોડશે
હવે તારો મેવાડ મીરાં છોડશે.

– રમેશ પારેખ