મારામાંથી છટકીને તું

Comments Off on મારામાંથી છટકીને તું

 

 

 

મારામાંથી છટકીને તું
મને પરાયો ગણે !

 

ઓળખ  નામે  ચિહ્ન  હતું   ત્યાં   મૂક્યું   મોટું   મીંડું
તે   દિવસથી   પડવા   લાગ્યું    મારાપણામાં   છીંડું
હું અહીંથી ત્યાં આવું પણ
તું પણે નો પણે… મને પરાયો ગણે !

 

બની બ્હાવરા  ચપટી  આંખે તાક્યું આખ્ખું  આભ
પગપાનીથી   પાંપણ  પર્યન્ત આભ પછીથીી  ડાભ
ઝાંય ઝાંય જન્મોની ડાળો
કોરીકટ રણઝણે… મને પરાયો ગણે !

 

છળ તરંગો   છળની  ઘટના છળવત  માણી  મજા
છળમય થઈને છળથી અળગા રહેવાની આ સજા
છળપણાનો જીવ પછીથી
ફૂટતો ક્ષણે… ક્ષણે… મને પરાયો ગણે !

– સંજુ વાળા

કાવ્ય પઠન : હરીશ શાહ

… યુગને પલટાવી ગયા

Comments Off on … યુગને પલટાવી ગયા

 

 

છે   ઘણાં   એવા   કે  જેઓ યુગને પલટાવી ગયા
પણ   બહુ   ઓછા છે    જેઓ પ્રેમમાં ફાવી ગયા.

દુર્દશા    જેવું  હતું   કિંતુ   સમજ     નો’તી   મને,
દોસ્તો   આવ્યા   અને  આવીને  સમજાવી   ગયા.

હું   વીતેલા દિવસો  પર   એક  નજર કરતો  હતો,
યાદ કંઈ આવ્યું નહીં – પણ આંસુઓ આવી ગયાં.

મેં લખેલો  દઈ ગયા – પોતે   લખેલો   લઈ   ગયા,
છે    હજી  સંબંધ  કે   એ  પત્ર   બદલાવી   ગયા.

‘સૈફ’  આ   તાજી કબર   પર નામ તો મારું જ છે,
પણ   ઉતાવળમાં   આ લોકો કોને  દફનાવી ગયા!

– સૈફ પાલનપૂરી

સ્વર : મનહર ઉધાસ

ભીડ નિહાળી ભડકે આંખો

Comments Off on ભીડ નિહાળી ભડકે આંખો

 

 

ભીડ  નિહાળી   ભડકે  આંખો
દોડે  ઊભી     સડકે    આંખો

થડકો લાગી જાય   સહજ તો
રોમે    રોમે     થડકે      આંખો

દિલસોજીની વાત શું   કરવી!
દિલ ધડકે  તો ધડકે     આંખો

ઝાકળ જળમાં પલળી પલળી
વરસે    તડકે   તડકે    આંખો

પાણી પાણી   પળમાં  કરી   દે
પથ્થરને   જો  અડકે    આંખો

દરિયાની   યે  છાતી      માથે
જઈને    હોળી  ખડકે આંખો

સળગાવી   છે   સ્નેહે ‘ઘાયલ’
કેમ   બળેે  ના  ભડકે  આંખો

– અમૃત ‘ઘાયલ’

સ્વર. : પિયુ સરખેલ

હૈયે તો છું

Comments Off on હૈયે તો છું

 

હૈયે   તો   છું  પણ હોઠેથી ભુલાઈ  ગયેલો માણસ છું,
હું   મારા ડાબા  હાથે ક્યાંક મુકાઈ  ગયેલો માણસ છું.

સૌ જાણે   છે  કે  ચાવું છું પાન  હું હંમેશા  મઘમઘતાં,
હર પિચકારીમાં રોજ અહીં થૂંકાઈ ગયેલો  માણસ છું.

પાણીમાં પડેલા  કાગળના અક્ષર જેવા છે શ્વાસ બધા,
જીવું  છું  ઝાંખું    પાંખું હું   ભુંસાઈ ગયેલો માણસ છું.

પાણીનો છે આભાસ એવો લાગું છું સ્વયં દરિયા જેવો,
કંઈ એવી તરસથી રણ જેવું સુકાઈ ગયેલો માણસ છું.

કયારેક   એવું   પણ લાગે છે  આ વસ્તીમાં વસનારાને,
એક સાવ બજારૂ ઓરત છું ચૂંથાઈ  ગયેલો માણસ છું.

સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કીન,
કોને   કહેવું   હું   મારાથી  રિસાઈ   ગયેલો માણસ છું.

– રાજેશ વ્યાસ ‘ મિસ્કીન’

સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ

દાદાના આંગણામાં

Comments Off on દાદાના આંગણામાં

દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન

ખોળો વાળીને હજી રમતા’તા કાલ અહીં સૈયરના દાવ નતા ઉતર્યા
સૈયરના પકડીને હાથ ફર્યા ફેર-ફેર, ફેર હજીય નતા ઉતર્યા
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું જોબનનું થનગનતું ગાન

આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં, પોઢેલાં હાલરડાં જાગ્યાં કુંવારા દિવસોએ ચોરીમાં આવીને ભૂલી જવાના કહેણ માંગ્યા
પછી હૈયામાં કાજળમાં સેંથામાં સંતાતું ચોરી ગયું રે કોક ભાન

– માધવ રામાનુજ

સ્વર : પ્રિતી ગજ્જર

સ્વરાંકન : ડો ભરત પટેલ

Older Entries

@Amit Trivedi