મારા લાલ રે લોચનિયામાં રૂપની ઝલક આવી ગઈ

Comments Off on મારા લાલ રે લોચનિયામાં રૂપની ઝલક આવી ગઈ

 

 

મારા લાલ રે લોચનિયામાં રૂપની ઝલક આવી ગઈ
હું તો જોતી ને જોતી રહી..
મારા લાલ રે લોચનિયામાં..

આવી ન આવી એ સૂરત શમણે, ત્યાં ક્યાં રે ખોવાઇ ગઈ?
હું તો જોતી ને જોતી રહી..
મારા લાલ રે લોચનિયામાં..

છોને સૂરજ એ સૂરજ ના રહે, સુધા સુધાકરની ખૂટે,
છોને સમય નીજ સાજ બજાવીને ભાવી તારલીયાનું તેજ લૂંટે,

તૂટે ના તાર લાગ્યો હૈયાના હારનો, છોને થવાની થઈ,
હું તો જોતી ને જોતી રહી..

– અવિનાશ વ્યાસ

સ્વર. : દિપાલી સોમૈયા

ધીમો ધીમો વરસાદ પ્રીત દે છે

Comments Off on ધીમો ધીમો વરસાદ પ્રીત દે છે

 

 

ધીમો ધીમો વરસાદ પ્રીત દે છે કોઇ ને સાદ રે ધીમો ધીમો વરસાદ
ભીના સપના ભીની રાતો મેહકી ઉઠી એની યાદ રે ધીમો ધીમો વરસાદ!

ભીંજાઈ હૈયા ની ધરતી રે શરમાયું આંખોનું આભ
ટહુકયાં રે મનના મોરલિયા રે
આંગણિયા લીલી લીલી છાબ
કે આ મૌસમ મૌજ-એ-દરિયા કોઇ નદી થઈ એમાં વહી જાઉં રે…

ધીમો ધીમો વરસાદ પ્રીત દે છે કોઇ ને સાદ રે ધીમો ધીમો વરસાદ
ભીના સપના ભીની રાતો મેહકી ઉઠી એની યાદ રે ધીમો ધીમો વરસાદ!

કોઇ જો પોતાનું હોય તો દુનિયા કેવી વ્હાલી લાગે રે…
એની હારે બે મીઠી વાત રે..
બીજું કોઈ શું માંગે રે!
એના રંગો અંગે અંગે , અંગે અંગે આવી રંગે ! હું ઉમંગે ઉમંગે હરખાઉ રે ! ધીમો ધીમો વરસાદ પ્રીત દે છે કોઇ ને સાદ રે ધીમો ધીમો વરસાદ –

– જીગરદાન ગઢવી

સ્વર : જીગરદાન ગઢવી, ઐશ્વર્યા મજમુદાર

સંગીત : જીગરદાન ગઢવી

ક્ષમા કરી દે !

Comments Off on ક્ષમા કરી દે !

 


 
ક્ષમા કરી દે!

તોફાનને દઈને અણછાજતી મહત્તા
તું વાતનું વતેસર ના કર ક્ષમા કરી દે!
હોડીનું એક રમકડું તુટ્યું તો થઈ ગયું શું?
મોજાંની બાળહઠ છે સાગર! ક્ષમા કરી દે!

હર શ્વાસ એક મુસીબત
હર શ્વાસ એક વિમાસણ
પળ પળની યાતનાઓ પળ પળની વેદનાઓ
તારું દીધેલ જીવન મૃત્યુ સમું ગણું તો
મારી એ ધૃષ્ટતાને ઈશ્વર! ક્ષમા કરી દે!

કાંટાઓનું બિછાવી બિસ્તર કહે છે દુનિયા
પોઢી જા હસતાં હસતાં ફૂલોની સેજ માની
અર્થાત જુલ્મીઓના જુલ્મોના ઘાવ સહેવા
પહેરી ઉદારતાનું બખ્તર ક્ષમા કરી દે!

કાંટો છે લાગણીનો વજનો છે બુદ્ધિ કેરાં
તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ
હે મિત્ર! તારા દિલનો પણ તોલ મેં કર્યો છે
આવે છે એની તોલે પથ્થર ક્ષમા કરી દે!

તું એક છે અને હું એક ‘શૂન્ય’ છું પરંતુ
મારા જ સ્થાન પર છે નિશ્ચિંત જગતનાં મૂલ્યો
એથી જ ઓ ગુમાની! જો હું કહું કે તું પણ
મારી દયા ઉપર છે નિર્ભર ક્ષમા કરી દે!

સ્વરઃ પાર્થિવ ગોહિલ
રચનાઃ ‘શૂન્ય’ પાલનપુરી

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી

Comments Off on મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી

 

 

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત, તને યાદ છે?

મારી આંખમાં તું…

ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું;
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું.
છાતીની ઘુમરીમાં ઘુમી ઘુમીને ક્યાંક,
ખોવાતી જાત મને યાદ છે, ખોવાતી જાત તને યાદ છે?

સૂરજ વિનાના અને છાંયડા વિનાના ધોમ તડકા સૂસવાટે હવે રાતના;
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
દિવસોની વાત મને યાદ છે, દિવસોની વાત તને યાદ છે?

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને
ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…

-રમેશ પારેખ

અન હાય તમારી….

Comments Off on અન હાય તમારી….

ડો. ફિરદૌસ દેખૈયા ના સ્વરમાં

કવિના સ્વરમાં

અન હાય તમારી…….

અન હાય,તમારી જણનારીની ગાંઠે બાંધ્યા ગરથ અમોને આમ અચાનક અધવચ મુકી સઘળું લુંટી નેહ અમારો તરછોડીને ચાલ્યાં ક્યાં પરબારા?…..
અન હાય,અમારા અંગ ઉપરના સોળ હતાં શણગાર તમેતો આજ અમારા દેહ ઉપરના ખાલીપાને ક્યાં જઈને હું ખાળું આપો અર્થહિણ હુંકારા….

અન હાય,અમારા અડવા હાથોની રેખામાં તમે હતાંની કેટકેટલી જણસ ભુંસાણી અભાગણી હું કેમ કરીને મનખો મારો એકલ પંડે કાઢું?…..
અન હાય,અમારી છાતી છુંદ્યા કોડ અમારા કૈંક અભરખા કૈંક અબળખા બધું તમારી સાથ ગયુંને વધી અમારી આવરદાને કેમ કરી હું વાઢું?……

અન હાય,તમારા પડછાયાનો પગરવ મારા અંતરના ઉંબરને ઠેકી ગયો અચાનક દોટ લગાવી નજર અમારી ફળિયું ફેંદી રહી ક્યાંક ખોડાઈ…..
અન હાય,અમારી અઢળક આખી જાત ઉપર આ તમે હતાંનું સુખ હતું ને તમે હતાંની હતી દિવાલો મબલખ મારું રજવાડું આ આજ ગયું રોળાઈ…..

અન હાય,તમારી…….

– તુરી રાહુલ”ઝીલ”

Older Entries

@Amit Trivedi