જાશું જઈને કાળની ગરદન ઝુકાવશું

Comments Off on જાશું જઈને કાળની ગરદન ઝુકાવશું

 

 

જાશું   જઈને   કાળની     ગરદન    ઝુકાવશું,
સંસાર   પરથી   જુલ્મની   હસ્તી   મિટાવશું.

જવાળાઓ   ઠારશું       ને   ફૂલો   ખિલાવશું,
જગને   અમારા   પ્રેમનો   પરચો     બતાવશું.

કમજોરથી    અમે   નથી   કરતા   મુકાબલો;
કોણે   કહ્યું   કે   ‘મોતથી    પંજો     લડાવશું ?’

મૃગજળને   પી જશું  અમે  ઘોળીને  એક  દી,
રણને   અમારી  પ્યાસનું   પાણી    બતાવશું.

ચાલે છે ક્યાં  વિરોધ  વિના  કોઈ  કારભાર ?
ભરશું  જો   ફૂલછાબ  તો  કાંટા  ય  લાવશું !

ડૂબેલ માની   અમને    ભલે   બુદબુદા   હસે,
સાગર   ઉલેચશું   અને     મોતી     લુંટાવશું.

આખી  સભાને   સાથમાં  લેતા  જશું   અમે;
અમને  ઉઠાડશો    તો   કયામત   ઊઠાવશું.

બળશે નહીં  શમા તો જલાવીશું  તનબદન !
જગમાં અખંડ જ્યોતનો  મહિમા નિભાવશું.

માથા  ફરેલ   શૂન્યના   ચેલા   છીએ    અમે,
જ્યાં  ધૂન  થઈ   સવાર  ત્યાં  સૃષ્ટિ રચાવશું.

― શૂન્ય પાલનપુરી

સ્વર : ડો. પાર્થ ઓઝા
સ્વરાંકન : સંજય ઓઝા

આપણાં જ જીવતરની આપણી જ વારતામાં

Comments Off on આપણાં જ જીવતરની આપણી જ વારતામાં

 

 

આપણાં જ જીવતરની આપણી જ વારતામાં
આપણે જ રાજા અને રાણી.
ખાધું પીધું ને પછી મોજ કીધી કહીયે તો
થઇ જાતી પરીની કહાણી.

પરીઓના દેશનું નામ સ્વપ્નનગરી
એ નગરીના રહેવાસી આપણે
ઇચ્છાના નામ ધરી પસ્તાયા એવાં
કે સૂકવવા જઇ બેઠાં તાપણે
સમજણના સીમાડા ઓળંગ્યા બાદ
ગાંડાતૂર થઇ કીધી ઊજાણી.

હોળી હલેસાં ને પાણીનું રણ
અને ડમરી સમ હિલ્લોળે એના લ્હેરે
લથબથતા ભીંજાતાં નખશિખ ફૂંક
હવે શમણેરી વેશ જુઓ પહેરે
હાંફતાં હરણ સમા કિનારે પહોંચ્યા
ત્યાં આવી તું અંકમાં સમાણી.

– ગૌરવ ધ્રુવ,

સ્વર : આસિત દેસાઇ. હેમા દેસાઇ

તમે આકાશી સૂરજનો ઝળહળ

Comments Off on તમે આકાશી સૂરજનો ઝળહળ

 

 

તમે આકાશી સૂરજનો ઝળહળ અવતાર
અમે પાછલી તે રાતના તારા
તમે દરિયાની સમજણનો ઘેરો વિસ્તાર
અમે આછેરી ઝરણાની ધારા

તમે શબ્દોમાં પોઢેલા મખમલીયો અર્થ
અમે પ્રશ્નો, ઉદ્ગાર ને વિરામ
તમે પળવાર પહોંચવાના સીધા રસ્તા,
અમે રસ્તામાં આવતા મુકામ

તમે કાગળ પર લાગણીની ખળખળતી ધાર
અમે હાંસિયાના જાણે કિનારા
તમે ચંદનના ઝાડવેથી ઝરતી સુગંધ
અમે સુક્કા તે બાવળની ડાળ

તમે આભ લગી જવાની ઉંચી કેડી
અમે કેડીનો ઉતરતો ઢાળ
તમે બાગના એ ફૂલોનો જાણે શણગાર
અમે માટીના કૂંડા ને ક્યારા

તમે શ્રધ્ધાની ઝળહળતી સોનેરી જ્યોત
અમે કોડિયામાં અંધારું ઘોર
તમે શબરીના હોઠ પર મલકતું નામ
અમે શબરીના ચાખેલા બોર

તમે મંદિરની સંમુખ છો ઝાલર રણકાર
અમે દૂર રહી વાગતા નગારા

– મુકેશ જોષી

સ્વર : નયનેશ જાની
સ્વરાંકન :નયનેશ જાની

ખાલી કૂવે કોશ ચલાવી

Comments Off on ખાલી કૂવે કોશ ચલાવી

 

 

ખાલી કૂવે. કોશ. ચલાવી   હવે  અમે તો થાક્યા રે,
અરે! અમારે તળિયે કોરાં ઝરણ-ઝાંઝવાં જાગ્યાં રે.

ખેતર મોટાં, ખેડ ઘણેરી,
બીજ ઊંચેરાં વાવ્યાં રે;
ગગન થકી નહીં અમરત ઉતર્યા
ઊગતામાં   મૂરઝાયાં રેઃ

ખાલી હાથે અમે  જ  અમને અદકા ભારે લાગ્યા રે.
અરે! અમારે તળિયે કોરાં ઝરણ-ઝાંઝવાં જાગ્યાં રે.

મનના મારગ ખૂંદતાં ખૂંદતાં,
બોર રૂપાળાં મળિયાં રે;
જયારે ચાખ્યાં ત્યારે જાણ્યું,
નકરા   એમાં  ઠળિયારે :

ખાલીપામાં   ખોવાયા  જલ  ઊંડે  અમને વાગ્યાં રે
અરે! અમારે તળિયે કોરાં ઝરણ-ઝાંઝવાં જાગ્યાં રે.

– ચંદ્રકાન્ત શેઠ

સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ

@Amit Trivedi