માંડવાની જૂઈ !

Comments Off on માંડવાની જૂઈ !

 

 

અમથી અમથી મૂઈ ! ઓલ્યા માંડવાની જૂઈ !

કંપી કંપીને એ જીવન જીવી ગઈ
ઝંખી ઝંખીને એ તરસી રે ગઈ
ધૂપછાંવની ગોરી તોયે ધૂપથી ડરી ગઈ

એની કાયામાં સુવાસ, જોબન શમાણાનો ઝંકાર
સનમ ક્ષણની બની ગઈ અને અમથી ખરી ગઈ !

કે આવ્યો ઊડીને પવન, જૂઈનું જોયું રે કફન
ચૂમી લીધું રે ચરણ, જૂઈનું કીધું એ હરણ
એને ઝાકળમાં નવડાવી, એને ઘૂળમાં પોઢાડી
સૂરજ આગમાં સળગાવી, એની માનીતી જૂઈ !

– જિતુભાઈ મહેતા

સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય ,આશિત દેસાઈ ,પાર્થિવ ગોહિલ
સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો

Comments Off on લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો

 

 

લેવા ગયો જો  પ્રેમ  તો  વહેવાર  પણ  ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર  પણ  ગયો.

એની  બહુ   નજીક   જવાની   સજા   છે  એ,
મળતો હતો જે   દૂરથી સહકાર   પણ   ગયો.

રહેતો   હતો  કદી   કદી   ઝુલ્ફોની   છાંયમાં,
મારા નસીબમાંથી  એ   અંધકાર  પણ  ગયો.

સંગતમાં જેની સ્વર્ગનો  આભાસ  હો   ખુદા,
દોઝખમાં કોઈ એવો  ગુનેગાર   પણ   ગયો ?

એ    ખુશનસીબ  પ્રેમીને  મારી  સલામ  હો,
જેનો સમયની સાથે  હ્રદયભાર  પણ   ગયો ?

એ પણ છે સત્ય એની ઉપર  હક  નથી  હવે,
એવુંય  કંઈ  નથી  કે  અધિકાર   પણ   ગયો.

સાકી છે સ્તબ્ધ  જોઈ નશાની અગાઢ ઊંઘ,
પીનારા   સાથે    કામથી પાનાર   પણ ગયો.

કેવી     મજાની    પ્રેમની    દીવાનગી   હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો   સમજદાર  પણ  ગયો

-‘મરીઝ’

સ્વરઃ ઉદય મઝુમદાર
સ્વરાંકન : ઉદય મઝુમદાર

@Amit Trivedi