અરજ વિનવણી આજીજી ?

Comments Off on અરજ વિનવણી આજીજી ?

 

 

અરજ વિનવણી આજીજી ?
શું કરીએ કઈ રીતે રહેશો રાજી ? જી !

તમે કહો તે ઓઢું – પહેરું, તમે કહો તે સાચું
મધ – કાજળને લઢી, સુરમો આંખે આંજી નાચું
તમ કાજે લ્યો ! વસંત વેડું તાજી જી !
શું કરીએ કઈ રીતે રહેશો રાજી ? જી !

ઝાકળનાં પાથરણે પાડું, સુગંધની ખાજલીયું
વ્હાલપથી નિતરતી રસબસ બંધાવું છાજલીયું
હરખે હરખે હારું રે ભવબાજી જી !
શું કરીએ કઈ રીતે રહેશો રાજી ? જી !

– સંજુ વાળા

સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : ડો ભરત પટેલ

…. ઊંઘવા દેતું નથી.

Comments Off on …. ઊંઘવા દેતું નથી.

આંખ પર તોળાતું ભારણ ઊંઘવા દેતું નથી.
જાગતા રહેવાનું ડહાપણ ઊંઘવા દેતું નથી.

હાંફ લઈને ,થાક લઈને હું સતત દોડ્યા કરું,
આંખમાં ઊગેલું એક રણ ઊંઘવા દેતું નથી.

ભૂખની માફક સતત ખખડયા કરે છે રાતભર,
ઝૂંપડીને ખાલી વાસણ ઊંઘવા દેતું નથી.

યુદ્ધ પૂરું થઈ ચૂક્યું છે શસ્ત્રો પણ સૂતાં જ છે!
પણ હજુ અંદરનું ‘હણહણ’ ઊંઘવા દેતું નથી.

જીવ ચોંટયો છે હજુ ખીંટી ઉપરના ચીંથરે!
કે નવું નક્કોર પહેરણ ઊંઘવા દેતું નથી.

ફૂલનો એક છોડ મોટો થઈ રહ્યો છે આંગણે
ત્યારથી આ ઘરને પ્રાંગણ ઊંઘવા દેતું નથી.

હોય છો મખમલ મુલાયમ રાત તો ભૈ રાત છે,
કોઈને આ કાળું કામણ ઊંઘવા દેતું નથી.

કારણો ‘ને તારણોમાં અન્યને શું દોષ દે!
જાગવા લીધેલું ખુદ પ્રણ ઊંઘવા દેતું નથી.

બે તરફ પડખાં ફરીને આખરે માલૂમ પડે,
હાથનું લીધેલું ટેકણ ઊંઘવા દેતું નથી.

વાત આવીને ફરીથી ત્યાંજ અટકી જાય છે,
વારતાનું છેલ્લું પ્રકરણ ઊંઘવા દેતું નથી.

થઈ ઉલા-સાની-ઉલા-સાની-ઉલા-સાની-ઉલા,
બન્ને મિસરાનું આ વળગણ ઊંઘવા દેતું નથી.

-જુગલ દરજી

ગઝલ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આવેલી ગઝલ
નિર્ણાયક શ્રી – Snehi Parmar
આયોજન- ગઝલ સંપદા

@Amit Trivedi