થઈ શકે તો બસ ઉથલપાથલ કરો

Comments Off on થઈ શકે તો બસ ઉથલપાથલ કરો

 

 

થઈ શકે તો બસ ઉથલપાથલ કરો, વનને વસ્તી,  શહેરને  જંગલ કરો;
હો શીદને પથ્થર    ઉપાડો છો તમે, પાંપણો ઉંચકો અને  ઘાયલ  કરો.

જ્યાં નિરંતર કોઈનો પગરવ  હશે,
ત્યાં પ્રતીક્ષાનો સતત ઉત્સવ હશે.

લાગણીની     વ્યગ્રતા   છે   ટેરવાં,   બંધ   દ્વારોની વ્યથા  છે  ટેરવાં.
શક્યતા    સબંધની    એમાં     હશે, એક   બારીની  જગા છે  ટેરવાં.
આંખમાં  ભીનાશ જે   ઉભરી હતી, એ  બધી યે  પી  ગયાં છે   ટેરવાં.
ભેદ  જ્યાં  જાણ્યો હથેળીનો   પછી  સાવ  મુંગા થઈ ગયાં  છે  ટેરવાં.

-કૈલાશ પંડિત

સ્વરઃ શેખર સેન
સ્વરાંકનઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

એવુંય ખેલ ખેલમાં ખેલી જવાય છે

Comments Off on એવુંય ખેલ ખેલમાં ખેલી જવાય છે

 

 

એવુંય   ખેલ    ખેલમાં    ખેલી    જવાય  છે,
હોતી નથી   હવા   અને   ફેલી   જવાય   છે.

ઊંઘી જવાય છે   કદી  આમ   જ   ટહેલતાં,
ક્યારેક     ઊંઘમાંય    ટહેલી     જવાય   છે.

આવી  ગયો  છું  હું  ય  ગળે   દોસ્તી   થકી,
લંબાવે   કોઈ હાથ   તો   ઠેલી   જવાય   છે.

બલિહારી છે બધીય ગુલાબી સ્મરણ તણી,
આંખો   કરું  છું  બંધ,  બહેલી   જવાય  છે

મળતી રહે  સહાય   નશીલી  નજરની  તો,
આંટીઘૂંટી    સફરની   ઉકેલી    જવાય  છે

લાગે  છે  થાક   એવો   કે   ક્યારેક   વાટમાં
સમજી હવાને  ભીંત   અઢેલી    જવાય   છે.

ઘાયલ ભર્યો છે  એટલો   પૂરો   કરો   પ્રથમ,
અહીંયાં  અધૂરો  જામ ના   મેલી  જવાય છે.

– અમૃત ઘાયલ

સ્વર : દીપ્તિ દેસાઈ
સ્વરાંકન : અમર ભટ્ટ

સાંભરે પ્રથમ મિલનની રાત

Comments Off on સાંભરે પ્રથમ મિલનની રાત

 

 

સાંભરે પ્રથમ મિલનની રાત, સાંભરે પ્રથમ મિલનની રાત
જેના તે રસ ઢળ્યાં જીવનમાં, જેના તે રસ ઢળ્યાં જીવનમાં
ઊજળાં ઊગ્યાં પ્રભાત
સાંભરે પ્રથમ મિલનની રાત, સાંભરે પ્રથમ મિલનની રાત

ના ના કરતાં, રસથી નીતરતાં, હૈયા ધીમે દબાતાં,
ના ના કરતાં, રસથી નીતરતાં, હૈયા ધીમે દબાતાં
લજ્જાની પાળો તૂટી ત્યાં રસ સાગર છલકાતાં
શીખવે સજન નવીન કોઈ વાત
સાંભરે પ્રથમ મિલનની રાત, સાંભરે પ્રથમ મિલનની રાત

અર્ધ જાગતાં, અર્ધ મીંચાતાં, લોચન નીંદ ન આવે
લોચન નીંદ ન આવે
અણજાણ્યાં અણમાણ્યાં ભાવો આવી પ્રીતમ જગાવે
આવી પ્રીતમ જગાવે
સહેવાઈ હોય એ જાણે મધુરી એ રસધાર

સાંભરે પ્રથમ મિલનની રાત, સાંભરે પ્રથમ મિલનની રાત
જેના તે રસ ઢળ્યાં જીવનમાં, જેના તે રસ ઢળ્યાં જીવનમાં
ઊજળાં ઊગ્યાં પ્રભાત
સાંભરે પ્રથમ મિલનની રાત, સાંભરે પ્રથમ મિલનની રાત

– રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ

સ્વરઃ પૌરવી દેસાઈ

મારો સાજન મળ્યો ન મને મેળામાં

Comments Off on મારો સાજન મળ્યો ન મને મેળામાં

 

 

હું તો હાટડીએ હાટડીએ ઘૂમી વળી
ને પડી આવી એવી તે કૈંક વેળામાં
મારો સાજન મળ્યો ન મને મેળામાં

ઊભી રહું ક્યાંય તોય આખું ચકડોળ
મને વેળાનું ફરતું દેખાય
ભમતી અભાન હું યે ચૌટે ને ચોકે
અને અણસારો કોઈ ન કળાય

અચકાયું હતું મારું ઓચિતું મન
જેવી નીકળી કે બ્હાર મારા ડેલામાં
મારો સાજન મળ્યો ન મને મેળામાં

લંબાતી જાય વાટ ચાલું ને જેમ જેમ
થાક્યા પહેલા યે હું તો થાકું
જોઈ રહે લોક બધું મારા નસીબ જેવું
રસ્તામાં મારી સામે વાંકું

ફૂલ મને હસતાં
ને કાંટાઓ અટવાયા
નવા રે નક્કોર મારા સેલામાં
મારો સાજન મળ્યો ન મને મેળામાં

– મહેશ શાહ

સ્વરઃ હંસા દવે
સ્વરાંકન: પુરુષોત્તમ ઉપાધ્યાય

તમારી આંખડી

Comments Off on તમારી આંખડી

 

 

તમારી આંખડી કાજલ તણો  શણગાર માંગે  છે
આ કેવી રોશની છે કે જે સદા અંધકાર માંગે  છે

બતાવો   પ્રેમપૂર્વક  જર્જરિત  મારી  કબર  એને
જ્યારે જાલિમ જમાનો જિંદગીનો સાર માંગે  છે

છે સામે રૂપ કિંતુ આંખ ઊંચી થઈ નથી શકતી
વિજયની છે સરસ બાજી ને હૈયું  હાર  માંગે   છે

‘અમર’નું  મોત  ચાહનારા  લઈ  લો હૂંફમાં એને
મરી જાશે, એ  મરવાને  તમારો  પ્યાર માંગે  છે

– અમર પાલનપુરી

સ્વર-સંગીતઃ હરીશ ઉમરાવ

@Amit Trivedi