તું ના કહે હું હા કહું
Feb 21
ગઝલ Comments Off on તું ના કહે હું હા કહું
તું ના કહે હું હા કહું કેવી અજબ છે જિંદગી
વ્હેતી રહે છે જળ સમી કેવી ગજબ છે જિંદગી
ફરતા ફરે સપનાં સજાવી હાથની રેખા મહીં,
કોને મળેલી છે પૂછજો મરજી મુજબની જિંદગી.
વેરાન રણ શાં વિસ્તરે છે ઝાંઝવાં નજરો મહીં
છીપે તરસ ના તોય પીવાની તલબ છે જિંદગી
હેતાળ જળ શીતળ લઈ વગડે મળે થૈ વીરડી
વેરાન પંથે લાગણી કેરી પરબ છે જિંદગી.
જીવી શકે તું મોજથી લૈ મૌન નો સાગર ભરી,
કૈ રાઝ રાખે છે છુપાવી બાઅદબ છે જિંદગી.
- કવિ દાજી
સ્વર : પિતાંબર પારઘી