Click here to download

આંખોથી થાકીને ભાગેલા આંસુઓ દરિયાના પાણીમાં ન્હાય …
એ આપણને ક્યાંથી સમજાય ?

જીવતરનો અર્થ યાને ઝોહરાના કોઠા પર સદીઓથી બાટેલાં થોથાં ,
એમ છતાં લાગણીની લિપિ ઉકેલવામાં પંડિતો ખાય રોજ ગોથાં .

મેળવવી બાકી હો ચપટી એક હૂંફ અને હૈયામાં લાગે છે લ્હાય …
એ આપણને ક્યાંથી સમજાય ?

સપનાના રાફડાએ રેઢી મેલી છે અમે ઈચ્છાની છલકાતી તાંસળી ,
પાંસળીઓ ઊંડેથી વલવલતી જાય કહો, કેમ કરી ઉતારું કાંચળી ?

માથાફરેલ જણ સળગાવી જાત ખૂદ પોતાના રાજિયાઓ ગાય …
એ આપણને ક્યાંથી સમજાય ?

– જોગી_જસદણવાળા

સ્વર : નિધી ધોળકિયા

સ્વરાંકન : ડો ભરત પટેલ