શમણાં આવેને તો’ય કાળા ડિબાણ એવું સૂરજ વિનાનું  સાવ  ગામ
ઝાંખું પાંખું ય હવે સૂતાં  કે  જાગતા ,  સૂઝે   નહીં  શમણું   કે   કામ

એવા અણરૂપ અને કેવાં લાગ્યા કે
કોઈ લીલા રણવાસ આમ વીસરે
તકતે જોઉં ત્યાં આંખ આડે ઘેરાઈ જતી,
ભીની   તરબોળ   ભીંત    નિતરે

મારી  હથેળીયુંની   મેંદી  ચીંધીને  કોઈ   કહેતું’તું    જાળવશું   આમ
ઝાંખું   પાંખું  ય  હવે  સૂતાં  કે  જાગતા , સૂઝે  નહીં  શમણું  કે  કામ

સળકે ચોપાસ ઠેઠ અંધારી લૂ
ને મારી ભાતીગળ ઓઢણી ચિરાતી,
લીલું એકાદ પણ ઠેશમાં ચડે છે
ત્યારે રૂ – શી પીંજાઈ  જતી  છાતી

તડકા રે હોય તો તો છાંયડા વિનાના કહી દુ:ખ ને અપાય કાંક નામ
શમણાં   આવેને તો’ય કાળા ડિબાણ એવું સૂરજ વિનાનું સાવ ગામ

– રમેશ પારેખ

સ્વર : નિધિ ધોળકિયા

સ્વરાંકન : ડો ભરત પટેલ