થાંભલીનો ટેકો ને ઓસરીની કોર
કણબીની છોકરીએ પાળ્યો રે મોર
મોર ટહુકા કરે, મોર ટહુકા કરે, મોર ટહુકા કરે

એણે પાંચીકા અમથા ઉલાળ્યાં
પછી છાતીમાં ટહુકાઓ પાળ્યાં
કાળજળું કાચું ને રેશમનો ભાર
એલઘેલ પાંપણમાં નવસેરો હાર
હાર ઝૂલ્યા કરે, મોર ટહુકા કરે, મોર ટહુકા કરે

થાંભલીનો ટેકો ને ઓસરીની કોર
કણબીની છોકરીએ પાળ્યો રે મોર
મોર ટહુકા કરે, મોર ટહુકા કરે, મોર ટહુકા કરે

મોરપીંછાની વાત પછી ઊડી
છેક સાતમે પાતાળ જઈ બૂડી
ઉગમણી કેડી ને આથમણાં ગીત
નીચી તે નજરું ને ઊંચી તે ભીંત
ભીંત ઝૂલ્યા કરે, મોર ટહુકા કરે, મોર ટહુકા કરે

સ્વરઃ વિરાજ-બીજલ ઉપાધ્યાય

ગીતઃ વિનોદ જોશી

સંગીતઃ દક્ષેશ ધ્રુવ