કશુંય   કહેવું   નથી   સૂર્ય  કે સવાર વિષે,
તમે   કહો   તો   કરું  વાત  અંધકાર વિષે.

ન   કોઈ   ડાળે   રહસ્યોનાં  પાંદડા  ફૂટ્યા,
કળીના  હોઠ ઊઘડતા  નથી   બહાર  વિષે.

સતત થતા રહ્યા વચમાં મરણના ઉલ્લેખો,
ને  વાત ચાલી  હતી  તારા ઈંતેઝાર વિષે.

બિચારો  દર્દી   કશું બોલતો  નથી ને છતાં,
તબીબો ઝઘડે છે આપસમાં સારવાર વિષે.

હજીયે  તાજા છે શબ્દોના સર્વ ઘા ‘આદિલ’,
હજીયે   લોહી  ટપકતું  કલમની  ધાર વિષે.

– આદિલ મન્સુરી