ઓછા રે પડ્યા.. ઓછા રે પડ્યા…
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા
ભાંગેલા કાળજાની કોર કેરા કટકા
ગોતી ગોતી થાક્યા તો યે કયાંક ના જડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

કોઇ થાતુ રાજી ને કોઇ જાતુ દાઝી
આવી તે હોય શું તારી આતશબાજી
લાગી રે લગન કેરી અગન ને ટાળવા
કે લોચન ને મન મારા જોને ઝગડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

સ્નેહ કેરી સોયમાં પોર્યો ના પોરાય મારા દલડાનો દોરો
વરસે ચોમેર તારુ અજવાળુ તો યે મારા અંતરનો બાગ રહ્યો કોરો ને કોરો
ધનતાને લૂટતા ખુદ રે લૂટાણાં
કે જાવુ’તુ ક્યાં ને ક્યાં આવી રે ચડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

અણગમતી તોય મુને ગમતી અમાસ
સપનાઓ આવે અને પાંપણની પાસ
અંતરનો ચાંદ મારો રહ્યો રે અધુરો
અને હસતા નયણા એ જોને મોતીડા મઢ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

– અવિનાશ વ્યાસ

સ્વર : વિરાજ – બિજલ ઉપાધ્યાય

સ્વરાંકન : અવિનાશ વ્યાસ