લોહીમાં સ્મરણો નમાયાં નીકળે (તો?)
શ્વાસ પણ પાછા અભાગા નીકળે (તો?)

એક ઇંગિતની કીકી થઇ જાઉં,પણ,
વિસ્મયો તારા ઢળેલા નીકળે (તો?)

હું નગરના એ વળાંકે થોભું, પણ,
તારા ઘરથી માર્ગ સૂના નીકળે (તો?)

હું તને મળવાને દર્પણ થાઉં, પણ,
હા, પ્રતિબિંબો વમળનાં નીકળે (તો?)

આપણાં મન તો મળેલાં હોય, પણ,
સ્પંદનો ભૂરાં અજાણાં નીકળે (તો?)

કૈં તને ક્હું ને ગઝલ થઇ જાય,પણ,
એક બે શેઅર અકારા નીકળે (તો?)

– ડો. કિશોર મોદી