જાવ મથૂરા ત્યારે, ઉધ્ધવ ! લઇ જાજો સંગાથે !
ગોકુળથી શું જાય અતિથિ તદ્ન્પ ઠાલા હાથે ? !

અધખૂલી આ કમળકળીમાં આંસુ ઝીલી લેજો ;
લિપિબદ્ધ એ વિરહ્વ્યથાઓ જઈ શ્યામને દેજો !
ઉધ્ધવ ! એને કહેજો :પૂનમને અજવાળે વાંચે ;
તો ય કદાચિત્ દાઝી જાશે આંખ , અક્ષ્રરી આંચે !

ઊનાં ધગધગતા નિશ્વાસો નથી આપતાં સાથે !
જાવ મથૂરા ત્યારે, ઉધ્ધવ ! લઇ જાજો સંગાથે !

લો, આ મોરમુકુટ ,વાંસળી ,વૈજયંતીની માળા ;
કદમ્બની આ ડાળ , વસન રાધાનાં અતિ રૂપાળાં !
સ્મૃતિચિહન સઘળાં એકાંતે જયારે શ્યામ નીરખશે ;
ત્યારે વ્રજને સંભારીને ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડશે !

કહેજો કે આ યમુનાતટની ધૂળ ચઢાવે માથે !

જાવ મથુરા તારે, ઉધ્ધવ ! લઇ જાજો સંગાથે !
ગોકુળથી શું જાય અતિથિ તદન ઠાલા હાથે ? !

-વિરુ પુરોહિત

સ્વરાંકન : ડો ભરત પટેલ