ધરા જરી ધીમી થા! આટલી અધીર કાં?
તારો સાજન શ્રાવણ આવે રે! ઓ આવે, ઓ આવે ઓ આવે રે!

ડુંગરાની કોરે, મોરલાના શોરે, વાદળના ગિરિમાં
તારો તારો સાજન શ્રાવણ આવે રે! ઓ આવે, ઓ આવે ઓ આવે રે!

ઝનન ઝનન ઝન ઝનનનનન વર્ષાની ઝાંઝરી વાગે રે ઝનન
સનન સનન સન સનન ગોરીનું ગવન છેડીને નાચે રે પવન

હો ઘનઘોર ઘટા લીલી લીલી લતા પર ખીલી રે છટા
દૂર દૂર દાદૂર મયૂર સૂર પૂરત શાતુર ઝંખે મિલન!

ફાલ્યો વડલો ને ફાલ્યો પીપળો, ફાલ્યું ફાલ્યું રે બાજરાનું ખેત;
શ્રાવણને પગલે થઈ રે રંગીલી રેત!

સપ્તરંગનો સૂર સજાવી ગગન ગજાવી સાધન શ્રાવણ આયો રે
ડિમ ડિમ ડિમાક ડિમ ડિમ ડિમાક
ડિમ ડિમ ડિમ ડિમ ઢોલ બજાવી વરસંતો વરતાયો રે

મોતીની સેર મજાની લીલુડા લહેરિયાની લાવ્યો વ્હાલીડો હેત!
શ્રાવણને પગલે થઈ રે રંગીલી રેત!

વરસંતી વર્ષાને નીરે ભીંજાતી રે
સ્થિર નહીં અસ્થિર સમીરે
નયના ધીરે સરિતા તીરે એક સખી રે
નયન પરોવે નયન થકી બની ભગ્ન મગ્ન મનનો સાજન…

– અવિનાશ વ્યાસ